રાજયમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. હાલાર પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસની પ્રતીક્ષા બાદ આજરોજ પુન: મેઘરાજાના મંડાણ થયા હતા અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.
દેવભુમી દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.ભાણવડ તાલુકાના ગુંદા, સાજડિયારી, નવાગામ, જામપર, મોરજર, શેઢાખાઇ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલથી વાતવરણમાં ઠંડક પ્રસરી હતી. ભારે બફારાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. તો બીજી તરફ ખેડુતોમાં પણ ખુશીની લહેર છવાઇ હતી.
ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વધી ગયેલા બફારાભર્યા માહોલ બાદ આજે સવારથી વરસાદી વાતાવરણ છવાયું હતું અને બપોરના સમયે ધીમીધારે છાંટા વરસ્યા હતા. ખંભાળિયા પંથકમાં આ વરસાદે બપોરે વેગ પકડતા સાંજે છ વાગ્યા સુધીમાં બે ઈંચ (46 મી.મી.) વરસાદ વરસી ગયો હતો.
આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં 1 ઈંચ (26 મી.મી.) ભાણવડ તાલુકામાં 1 ઈંચ (24 મી.મી.) અને દ્વારકા તાલુકામાં પોણો ઈંચ (17 મી.મી.) વરસાદ વરસી ગયાનું નોંધાયું છે.
ખંભાળિયા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સચરાચર વરસાદ હોવાથી ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે. આજે સાંજે છ વાગ્યા સુધીમાં ખંભાળિયામાં 136, ભાણવડમાં 56, કલ્યાણપુરમાં 30 અને દ્વારકા તાલુકામાં 23 મીલીમીટર કુલ વરસાદ વરસી ચૂક્યો છે.