સમગ્ર ગુજરાત જ્યારે વરસાદી માહોલમાં તરબોળ થયું છે ત્યારે ગઈકાલે દક્ષિણ ગુજરાતને વરસાદે ધમરોળ્યું હતું. જેમાં સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો. તેમજ નવસારી અને બારડોલીમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી ત્યારે છેલ્લાં 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ડોલવણ, ભુજ, સુબિર, બારડોલી, પલાસણા, નખત્રાણા, વલ્લભીપુર, વ્યારા, વાંસદા, બાલાસિનોર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરીયા અને માથાસુલિયાણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરો જળબંબાકાર થયા હતાં. જ્યારે નવસારી શહેર સીહત જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો હતો. નવસારી શહેર અને જલાલપોર વિસ્તારની આંગણવાડી અને શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી. જ્યારે રાત્રિ દરમિયાન પશ્ચિમ કચ્છમાં, ભુજ, નખત્રાણામાં અવિરત વરસાદ વરસ્યો હતો. ભુજ ઉપરાંત ભુજોડી, માધાપર, મીરજાપર, માનકુવા સહિતના વિસ્તારોમાં રાત્રે વરસાદ વરસ્યો હતો. આમ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 209 તાલુકાઓમાં ભારે વરસાદ તાપીના ડોલવણ તાલુકામાં સૌથી વધુ છ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. ડોલવણમાં 6.18 ઈંચ, ભુમાં 5.0 ઈંચ, સુબિરમાં 5.28 ઈંચ, બારડોલીમાં 4.92 ઈંચ, પલાસણામાં 4.45 ઈંચ, નખત્રાણામાં 4.4 ઇંચ વરસાદ નોંધાયો છે. સરેરાશ અત્યાર સુધીમાં 15.20 ઈંચ સાથે રાજ્યમાં સિઝનનો 44 ટકા વરસાદ વરસી ચૂકયો છે. જેમાં 29 ડેમ હાઈ એલર્ટ પર અને સૌરાષ્ટ્ર કચ્છના 19 ડેમ 100% છલકાયા છે. જ્યારે રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 46.21 ટકા સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 50.82 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 41.31 ટકા સરેરાશ નોંધાયો છે.


