મોદી અટક અંગે વાંધાજનક ટિપ્પણી કરવા મામલે દાખલ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઈ છે. કાયદાના નિષ્ણાતો અનુસાર જનપ્રતિનિધિ કાયદાની કલમ 8 (3) હેઠળ જોગવાઈ છે કે જો કોઈ પણ ધારાસભ્ય કે સાંસદને 2 વર્ષ કે તેનાથી વધુની સજા થાય તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી છીનવાઈ જાય છે.
રાહુલ ગાંધીને સુરતની કોર્ટ દ્વારા સજાને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને ઉપરી અદાલતમાં અપીલ દાખલ કરવાની તક આપવામાં આવી છે. તેમ છતાં કાયદાના જાણકારો કહે છે કે રાહુલ ગાંધીને સજામાં એક મહિના મુદ્દત મળવા છતાં સભ્યપદ નહીં બચી શકે. નિષ્ણાતો અનુસાર રાહુલ ગાંધી પાસે સભ્યપદ બચાવવાનો છેલ્લો રસ્તો હવે કોર્ટ જ છે.
ચૂંટણીપંચ સાથે આવા મામલે કામ કરી ચૂકેલા કાયદાના જાણકારો કહે છે કે રાહુલ ગાંધી પાસે સભ્યપદ બચાવવાનો ફક્ત એ જ વિકલ્પ છે કે ટ્રાયલ કોર્ટ આ સજાને ઘટાડીને ઓછી કરી દે અથવા માફ કરી દે. આ ઉપરાંત જો ઉપરી અદાલત જો સજાને ખતમ કરી દે કે પછી સજાને ઘટાડી દે તો જ તેમને રાહત મળી શકે છે. સ્પષ્ટ છ કે રાહુલ ગાંધીને જે પીડા કોર્ટના ચુકાદાએ આપી છે તેની સારવાર પણ કોર્ટ જ કરી શકશે.