અમદાવાદની રેગીંગની ઘટના ભુલાઈ નથી ત્યાં વડોદરાની સુમનદિપ વિદ્યાપીઠમાં ઓર્થોપેડિક વિભાગના વિદ્યાર્થી સાથે રેગીંગની ઘટના ઘટી છે. કોલેજ શરૂ થયાના 10 દિવસમાં જ વિદ્યાર્થી સાથે રેગીંગ થયું હોવાના આક્ષેપ વિદ્યાર્થીના વાલીએ કર્યા છે. ઘટનાની અસર વિદ્યાર્થી પર એવી થઈ કે વિદ્યાર્થી આત્મહત્યા કરવાના વિચારો કરવા લાગ્યો હતો. આ ઘટના મુદ્દે પુછતાં કોઈપણ બાબતની જાણ નથી તેમ સુમનદિપ વિદ્યાલયના ટ્રસ્ટી દિક્ષીત શાહે જણાવ્યુ હતું.
વિદ્યાર્થીના વાલીનો આરોપ છે કે, સિનીયરો તેને 11 કલાક કામ કરાવી તેના જ રૂપિયે સિગારેટ અને જ્યુસ પીતા હતા.
પોસ્ટ ગ્રેજ્યુએશનના ઓર્થોપેડિકના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રેસીડેન્ટ બીજું વર્ષ અને ત્રીજા વર્ષના તબીબી વિદ્યાર્થીઓએ અણછાજતુ વર્તન કર્યું હોવાની ફરિયાદ વાલીએ કરી છે. જેમાં વિદ્યાર્થી પર માનસિક અને શારીરીક ત્રાસ આપતા હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. વિદ્યાર્થીના વાલીએ રેગિંગ અંગે બેથી ત્રણ વખત સંસ્થાના સંચાલકોનો સંપર્ક કર્યો હતો. પરંતુ યોગ્ય જવાબ નહી મળતા વિદ્યાર્થીના વાલીએ એન્ટિ રેગીંગ કમિટીમાં ફરીયાદ કરી છે. જેના માટે આગામી સોમવારે સુમનદિપ વિદ્યાલયના સંચાલકોએ વાલી અને વિદ્યાર્થીને બોલાવ્યા છે.
વિદ્યાર્થી સાથે કરેલા રેગીંગના બનાવમાં ડો. ક્ષેમાંકર શાહ, ડો. ગૌરવ વાડોદરીયા અને ડો. હાર્દિક નાયકે વિદ્યાર્થીને સતત માનસિક ટોર્ચર કર્યો હોવાની રજૂઆત વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી છે. સિનિયરોના આવા વર્તન અંગે વિદ્યાર્થીએ તેના વિભાગના હેડ ડો. સર્વાંગ દેસાઈને જણાવવા છતાં તેમણે કોઈપણ નિર્ણયો કે પગલાં ના લેતાં અંતે વાલીએ એન્ટી રેગીંગ કમિટીને ફરીયાદ કરી છે. આ અંગે આરોપ મુકાયો છે તે વિદ્યાર્થીઓનો સંપર્ક કરતાં થઇ શક્યો ન હતો.
વિદ્યાર્થીને આ રીતે હેરાન કરાતો હતો
દૈનિક ક્રીયા માટે પણ હોસ્ટેલ જવા દેવામાં આવતો ન હતો, 10 મિનીટમાં 2 દર્દીને આઈ.સી.યુમાં દાખલ કરી ફરી હાજર થવાનો ઓર્ડર આપતા હતા,સિનીયરો વારંવાર એક જ વસ્તુ લખાવતા હતા, સિનિયરો પોતાના પર્સનલ ખર્ચ પણ જુનિયર વિદ્યાર્થી પાસે કરાવતા હતા, ચોથા વર્ગના કર્મચારીનું કામ પણ વિદ્યાર્થી પાસે જ કરાવતા હતા વિદ્યાર્થીને પોતાનું કામ પતાવી વોર્ડમાં જ દર્દીના બેડ પર જ ઊંઘવાનું દબાણ કરતા હતા,સિનિયરો કહેતાં કે અનેક વિદ્યાર્થી કેમ્પસ છોડીને ગયા, જોઈએ છીએ કે તુ કેટલો સમય ટકે છે. જુનિયર વિદ્યાર્થીને 21-22 કલાકની કામગીરી કરાવવામાં આવતી હતી, સિનિયર સામે હાથ પાછળ રાખીને ઉભા રહેવાનો ઓર્ડર અપાતો હતો.
અમારા સંતાનની સાથે એવું વર્તન થયું કે અમારે બાળકને કોલેજ શરૂ થયાના 10 દિવસમાં પરત વતન લાવવો પડે તેવી તેની સ્થિતી થઈ હતી. અમારા સંતાને જણાવ્યુ હતુ કે તેના સિનિયરો તેના પર તેમના પર્સનલ કામને લઈને દબાણ કરતા હતા. તેને કુદરતી ક્રીયા બધાની સામે કપડામાં જ કરવાનું કહીને તેને ક્ષોભની સ્થિતિમાં મુકતા હતા.
તો આ સમગ્ર ઘટના મુદ્દે વિદ્યાર્થીની સાથે બનેલી ઘટનામાં ડિપાર્ટમેન્ટના હેડને વાત કરતા તેણે પણ વિદ્યાર્થી સાથે અણછાજતું વર્તન કર્યું હતુ. આ સમગ્ર ઘટના બાદ મારા પુત્રને બે વખત 15 દિવસમાં ત્યાંથી લેવા જવો પડે તેવી સ્થિતી થઈ હતી. (ભોગ બનેલા વિદ્યાર્થીના પિતા સાથે થયેલી વાતચીતના આધારે)
સિનિયરો જુનિયરને નીટના ગુણ મુજબ રેન્ક વાઈઝ ઉભા રાખીને બિભત્સ ભાષામાં અપમાનિત કરતા હતા. ‘પર્સનલ કામ ના કર્યા તો રાત્રે હેરાન કરીશું’ તેવી ધમકી આપતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. અમદાવાદના બી.જે મેડિકલ કોલેજમાં સિનિયરો 6 જુનિયર્સ પાસેથી રૂપિયા પડાવી તેમના સિનીયરોની ગીફ્ટ લાવતા હતા. જુનિયર્સના ખર્ચે ભોજન લાવી માર મારતા હતા. જેમાં 3ને સસ્પેન્ડ કરાયા છે.