14મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે વિધાનગૃહના નેતા મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગૃહમાં શોકદર્શક ઉલ્લેખને રજૂ કરીને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માઘવસિંહ સોલંકી તેમજ સ્વ. કેશુભાઇ પટેલ સહિતના ચાર પૂર્વ દિવંગત રાજયપ્રધાનો અને સાત પૂર્વ દિવંગત વિધાયકોને ભાવસભર અંજલિ આપી હતી. આ અવસરે પૂર્વ મુખ્યપ્રધાન સ્વ. કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલિ આપતા જામનગના ભાજપા ધારાસભ્ય રાઘવજી પટેલે ગૃહ સમક્ષ નિખાલસ પૂર્વક કબૂલાત કરી હતી કે, મેં મારી જિંદગીમાં એક પાપ કર્યું છે, એક મોટી ભૂલ કરી છે.કેશુબાપા એ વિશ્ર્વાસ મુકીને મને ટિકીટ આપી અને હું ધારાસભ્ય થયો અને કેશુબાપાની જ સરકારને ઉથલાવવામાં મેં અગ્રીમ ભાગ ભજવ્યો હતો. સમય, સંજોગો અને રાજકીય અપરીપકવતાને કારણે આવો નિર્ણય લીધો હતો તેનો મને કાયમી રંજ રહ્યો છે. મારો નિર્ણય ભૂલભરેલો હતો તેનો આજે કેશુબાપાને શ્રધ્ધાંજલિ આપતી વખતે એકરાર કરૂ છું.
રાઘવજીભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, કેશુબાપાએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગુંડાગીરીને સાવ નાબૂદ કરી દીધી હતી. સૌરાષ્ટ્રને પાણીની પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડયું હતું. 1977-80માં સિંચાઇ માટે ડેમોનું આયોજન કર્યુ હતું. કેશુબાપાએ ભૂકંપ વખતે પણ સુંદર કામગીરી કરી હતી અને ખાસ કરીને ગામડાઓના વિકાસ માટે ગોકુળિયું ગામનો ક્ધસેપ્ટ શરૂ કરાવ્યો હતો. આમ, ખેતી ખેડૂત અને ગામડાઓ માટે કેશુબાપાએ ઘણું કર્યું હતું