જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 58 વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.9000 ની કિંમતની દારૂની 18 બોટલો ઝડપી લઈ નાશી ગયેલા શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. જામનગરના ધરારનગર વિસ્તારમાંથી પોલીસે એકસેસ અને પાંચ બોટલ દારૂ કબ્જે કરી બુટલેગરની શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ 58 વિસ્તારમાં રહેતા ગૌતમ ઉર્ફે ભીખો ડોંડો મુળજી ચાન્દ્રા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ આઇ.આઇ.નોયડા તથા સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.9000 ની કિંમતની દારૂની 18 બોટલો મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી ગૌતમની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. બીજો દરોડો જામનગર શહેરમાં ધરારનગર-2 વિસ્તારમાં બિનવારસુ પાર્ક કરેલા એકસેસ બાઈકની પોલીસે તલાસી લેતા તેમાંથી રૂા.2500 ની કિંમતની દારૂની પાંચ બોટલો મળી આવતા પોલીસે દારૂ અને એકસેસ મળી કુલ રૂા.52,500 નો મુદ્દામાલ કબ્જે કરી ચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
પોલીસે રેઈડ દરમિયાન 18 બોટલ દારૂ કબ્જે કર્યો : નાશી ગયેલા શખ્સની શોધખોળ : ધરારનગરમાંથી બિનવારસુ એકસેસ બાઈક અને પાંચ બોટલ દારૂ કબ્જે