ભારત તિબ્બત સંઘ જામનગર જિલ્લા-શહેર મહિલા વિભાગ દ્વારા ગુજરાત પ્રાંતમાંથી મળેલી સૂચના અનુસાર દિવાળીના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓના વપરાશ પર ભાર મુકતા દિવ્યાંગ બાળકોએ બનાવેલા દિવડાઓની સામુહિક ખરીદી કરવામાં આવી હતી.
જામનગરના મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલા ૐ ટ્રેનિંગ સેન્ટરના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલા સંપૂર્ણ સ્વદેશી દીવડાઓ ખરીદ કરી ચાઈનીઝ દિવડાઓનો વિરોધ કરીને ભારત તિબ્બત સંઘ દ્વારા ઉદાહરણરૂપ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
ભારત તિબ્બત સંઘના જામનગર જિલ્લા અધ્યક્ષ ડિમ્પલબેન રાવલે જણાવ્યું હતું કે ‘અપની દિવાલી અપને લોગો કે લીએ દિવાલી’ કાર્યક્રમ હેઠળ આગામી દિવાળીમાં સંઘની તમામ બહેનો સ્વદેશી વસ્તુઓ જ ઉપયોગમાં લેનાર છે. જેના ભાગરૂપે દિવ્યાંગ બાળકોએ બનાવેલા દિવડાની ખરીદી કરવામાં આવી હતી અને અન્ય લોકોને ખરીદ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ૐ ટ્રેનિંગ સેન્ટરના સંચાલક અને જેમને દિવ્યાંગ બાળકોને દિવડા બનાવવાની પ્રેરણા આપી તે ડિમ્પલબેન મેહતા, ભારત તિબ્બત સંઘ જામનગર જિલ્લા-શહેરના અધ્યક્ષ ડિમ્પલબેન રાવલ, ધારાબેન પુરોહિત, પૂર્ણિમાબેન નંદા, પારુલબેન સોની અને પ્રીતિબેન પંડયા સહિતના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.