જામનગર શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા માસ્ક વગર બેખોફ ફરતા લોકો અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરતા લોકો વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી અંતર્ગત બે સપ્તાહ દરમિયાન કુલ 749 કેસ નોંધી રૂા.4,20,400 ની રકમ વસૂલ કરી છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લાં બે સપ્તાહથી વધતા જતા કોરોના કેસો અટકાવવા માટે વહીવટી તંત્ર મેદાન પડયું છે અને આ મહામારીની ચેઈન તોડવા માટે પ્રજા પાસે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા અને માસ્ક ન પહેરતા લોકો પાસેથી દંડાત્મક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમાં જામનગર મહાનગર પાલિકાના કમિશનર સતિષ પટેલની સૂચનાથી સ્ટાફ દ્વારા ગત તા.22 માર્ચથી 7 એપ્રિલ સુધીના સમય દરમિયાન જામનગર શહેરમાં માસ્ક વગર ફરતા 236 લોકો પાસેથી 2,36,500 નો રોકડ દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સીંગનું ઉલ્લંઘન કરતા 513 કેસો નોંધીને રૂા.1,83,900 ના રોકડ દંડની વસૂલાત કરવામાં આવી છે. આમ, શહેરમાં છેલ્લાં 16 દિવસ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા રૂા.4,20,400 ની રોકડ રકમ દંડ પેટે વસૂલ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આ કડક કાર્યવાહી ચાલુ રહેશે જેથી લોકોમાં કોરોના પ્રત્યે જાગૃત્તતા આવે અને માસ્ક પહેર્યા વગર બહાર ન નિકળે તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવામાં જાગૃત્તતા દાખવે.