યુનાઇટેડ નર્સિસ ફોરમ દ્વારા નર્સની પડતર માંગણીઓને લઇને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો ન હોય, આજરોજ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતાં નર્સ દ્વારા કાળીપટ્ટી ધારણ કરી પડતર માંગણીઓ અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગ્રેડ-2 તથા પગાર સહિતના પ્રશ્ર્નોનો ઉકેલ આવતો ન હોય, આજે દર્દીઓને કોઇ મુશ્કેલી ન પડે તે રીતે કાળીપટ્ટી બાંધી વિરોધ કરી કરવામાં આવ્યો હતો.
કોરોના મહામારીમાં પણ છેલ્લા બે વર્ષથી જીવના જોખમે નર્સ ફરજ બજાવતી હોય, સરકારને અનેક વખત રજૂઆતો છતાં કોઇ ઉકેલ આવ્યો ન હોય, રોષ જોવા મળી રહ્યો છે.
યુનાઇટેડ નર્સિસ ફોરમ જામનગરના પ્રમુખ ધીરજ મેકવાન તથા સેક્રેટરી ટ્વિન્કલ ગોહેલ દ્વારા ગ્રેડ પે રૂા. 4200 અને ખાસ ભથ્થાઓ અને રૂા. 9600 પ્રતિ માસ ચૂકવાઇ, નર્સિસની આઉટ સોર્સિંગ ભરતી બંધ કરી રૂા. 35000 પ્રતિમાસ પગાર ચૂકવાઇ, નર્સિસને બેઝ ઉચ્ચતર પગાર ધોરણને બદલે શિક્ષકોની માફક 10-20-30 વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર આપવામાં આવે સહિતની વિવિધ માંગણીઓની અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પ્રશ્ર્નનું નિરાકરણ આવ્યું ન હતું. આથી યુનાઇટેડ નર્સિંસ ફોરમ ગુજરાતના નેજા હેઠળ આજે કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. તેમજ આગામી તા. 17 મે સુધી કાળીપટ્ટી ધારણ કરી ફરજો યથાવત્ રાખવામાં આવશે. આમ છતાં સમસ્યાનો ઉકેલ નહી આવે તો તા. 18 મેના રોજ ફરજોનો બહિષ્કાર કરી એક દિવસની પ્રતિક હડતાલની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.