જામનગર શહેરમાં ઇંડાની રેકડીઓ હટાવવાના વિચારણા અંગે જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફીએ વિરોધ દર્શાવી આ કાર્યવાહી હાથ ન ધરવા માંગણી કરવામાં આવી છે.
જામનગર શહેરમાં ઇંડાની રેકડીઓ હટાવવા અંગે વિચારણા કરવામાં આવી રહી હોય આ અંગે વિરોધપક્ષ નેતા દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આ અંગે મેયરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, ઇંડાની રેકડીઓ હટાવવાને કારણે ગરીબ લોકોના ધંધારોજગાર છીનવાઇ જશે. કોર્ટના અનેક ચુકાદાઓ છે જે કાયદાથી જે-તે વ્યકિતઓ કે અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં ન આવે ત્યાં સુધી તેમને હટાવી શકાતા નથી એક બાજુ સરકાર આત્મનિર્ભર બનવાની વાતો કરે છે. તેમજ ફેરિયાઓ અને નાના ધંધાર્થીઓને લોન આપવામાં આવે છે. જયારે બીજી બાજુ આવી રેકડીઓ હટાવવાથી નાના અને ગરીબ લોકોની રોજગારી છીનવાય જશે. આ ઉપરાંત કોરોના અને લોકડાઉનમાંથી ધંધા-રોજગાર પુન: શરૂ થઇ રહ્યા છે ત્યારે ઇંડાની રેકડીઓ બંધ થવાથી ધંધા-રોજગાર છીનવાય જશે. બંધારણમાં તમામ લોકોને કોઇ પણ ધંધો કરવાની છૂટ છે ત્યારે જામનગર શહેરમાં ઇંડાની રેકડીઓ વાળાને વૈકલ્પિક વ્યવસ્થા ધંધા-રોજગાર માટે કરી આપવા માંગણી કરાઇ છે. આ અંગે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી રેકડીઓ હટાવવા કાર્યવાહી ન કરવા માંગણી કરાઇ છે. અન્યથા આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
આ તકે વિપક્ષી નેતા અને વોર્ડ નં.12ના કોર્પોરેટર અલ્તાફ ખફી, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા(દિગુભા), કોર્પોરેટરો અસ્લમભાઇ ખિલજી, જેનમબેન ખફી, આનંદ ગોહિલ, નૂરમામદભાઇ પલેજા, ધવલભાઇ નંદા, કોંગ્રેસ અગ્રણી સહારાબેન મકવાણા વગેરે ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.