પાંચ રાજ્યમાં ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કરવાનું શરૂ થઈ ગયું છે. ઓઈલ કંપનીઓએ સતત બીજા દિવસે કિંમતોમાં વધારો કર્યો છે. બુધવારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસા અને મુંબઈમાં 85 પૈસાનો વધારો થયો છે. બીજી તરફ કોંગ્રેસના સાંસદોએ આજે સંસદ ભવન બહાર ગાંધીજીની પ્રતિમા પાસે રાંધણગેસના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. સાંસદોએ બાપુની પ્રતિમા પાસે હાથમાં બેનરો લઇને ધરણા યોજયા હતા. આજના ભાવ વધારા બાદ આંદામાન અને નિકોબારના પોર્ટ બ્લેરમાં પેટ્રોલ સૌથી સસ્તું, એટલે કે 84.30 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 78.52 રૂપિયા થઈ જશે. મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 114.80 રૂપિયા અને ડીઝલ 97.44 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. મંગળવારે પણ પેટ્રોલ-ડીઝલ 80 પૈસા પ્રતિ લિટરે મોંઘું થયું હતું. ગઈકાલે રાંધણગેસમાં પણ રૂપિયા 50નો વધારો કરાયો હતો. રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો વધી રહી છે, જેને કારણે કંપનીઓ પર એની કિંમત વધારવાનું દબાણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલ 20 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થઈ શકે છે.