ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન દ્વારા પડતર માંગણીઓના ઉકેલની અનેક વખત રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો ન હોય. ગઇકાલે સાંજે તબીબી શિક્ષકોએ ફરીથી જી.જી. હોસ્પિટલ મેડિકલ કેમ્પસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તબીબી શિક્ષકોના પડતર પ્રશ્ર્નો અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજૂ સુધી તેના પ્રશ્ર્નોનું નિરાકરણ આવ્યું નથી. ગુજરાતના તબીબી શિક્ષકોના વિવિધ પ્રશ્ર્નો જેવા કે, રેગ્યુલર મેડિકલ ટિચર્સની બાકી રહેલ સેવાના સળંગ ઓર્ડર કરવા, 2017થી સાતમા પગાર પંચ મુજબ એનપીએ મંજૂર કરવા, પડતર બધી જ ડીપીએસના ઓર્ડર કરવા, કરારીય નિમણૂંક બંધ કરવા, 10 વર્ષની નિયમિત સેવા બાદ વિકલ્પ આપી પ્રાઇવેટ પ્રેકટિસ કરવાની છૂટ આપવા, તમામ એડહોક મેડિકલ ટિચરની સેવા નિયમિત કરવા અને હાલમાં એડહોક સેવા બજાવતાં તમામ તબીબી શિક્ષકો માટે તાત્કાલિક જીપીએસસી પરિક્ષા કરવા જેમાં સરકારી કોલેજોને કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતાં શિક્ષકોને પ્રાથમિકતા આપવા સહિતની માંગણીઓ સંતોષવા ગુજરાત મેડિકલ ટિચર્સ એસોસિએશન દ્વારા માંગણી કરાઇ છે.