જામનગરમાં વધતાં કોરોના સંક્રમણને ધ્યાને લઇ તા.24થી 31 માર્ચ સુધી અરજન્ટ સિવાયની કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવા જામનગર બાર એસોસિએશન દ્વારા નિર્ણય કરાયો છે.
હાલમાં જામનગરમાં વધી રહેલા કોરોના સંક્રમણ તેમજ જામનગર બાર એસોસિએશનના એક-બે સિનિયર ધારાશાસ્ત્રીઓ કોરોના સારવાર હેઠળ હોય તેમજ વકીલ મંડળની વારંવારની માંગણી હોવા છતાં વિટનેશ બોકસને એકરેલીક સીટથી મઢવામાં આવેલું નથી. તે સંજોગો જોતા આવતીકાલ તા.24 માર્ચથી 31 માર્ચ સુધી અરજન્ટ સિવાયની કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવા જામનગર બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરાયો છે. તેમજ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ જામનગરને પત્ર લખી જામનગર કોર્ટ કેમ્પસમાં પક્ષકારો પ્રવેશ ન કરે અને સેનેટાઈઝ સહિતના સાવચેતીના પગલા લેવાની વ્યવસ્થા કરવા રજૂઆત કરાઇ છે. આ ઉપરાંત આ સમય દરમિયાન કોઇ વકિલ કેસની વ્યવસ્થા માટે હાજર રહી ન શકે કે અસીલ કે પક્ષકારો હાજર રહી ન શકે તો કોઇના કેસને નુકશાન ન થાય તે રીતે કેસનું જે તે સ્ટેજ રાખવા જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઇ સુવા તથા ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા રજૂઆત કરાઇ છે.