લાલપુર તાલુકાના હરીપર ગામમાં રહેતાં પટેલ ખેડૂત ભાઈઓના મકાનમાંથી તસ્કરો ત્રણ લાખની રોકડ રકમ અને સોનાના દાગીના મળી કુલ રૂા.4.14 લાખની માલમતાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના હરીપર ગામમાં રહેતાં મહેશભાઈ મોહનભાઇ ડોબરીયા નામના ખેડૂત યુવાનના મકાનમાં ગત તા.23 ના રોજ સવારના 8 થી સાંજના 6 વાગ્યા સુધીના 10 કલાકના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાના આગરિયાનો નકુચો તોડી રૂમમાં રહેલા કબાટના તિજોરીમાં લોક તોડી તેમાંથી રૂા.3 લાખની રોકડ રકમ તેમજ 23 વર્ષ પહેલાં બનાવેલા રૂા.72 હજારની કિંમતના 12 તોલાના સોનાના દાગીના મળી રૂા.3.72 લાખની માલમતા ચોરી કરી ગયા હતાં તેમજ બાજુમાં આવેલા મહેશભાઈના ભાઇ નંદલાલભાઈના રહેણાંક મકાનનો દરવાજાનો નકૂચો તોડી મકાનમાં પ્રવેશી તસ્કરોએ કબાટની તિજોરીમાંથી રૂા.42 હજારની કિંમતના 24 વર્ષ પહેલાં બનાવેલા 7 તોલાના સોનાના દાગીના ચોરી કરી ગયા હતાં.
ચોરીની જાણ મહેશભાઈ દ્વારા કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. અને બે ખેડૂત ભાઇઓના મકાનમાંથી તસ્કરો રૂા.3 લાખની રોકડ રકમ અને રૂા.1,14,000 ની કિંમતના 19 તોલાના સોનાના દાગીના સહિત કુલ રૂા.4,14,000 ની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.