જામનગર શહેરમાં મોમાઈનગર વિસ્તારમાં બંધ રહેલા મકાનોમાં તસ્કરો ત્રાટકયા હતાં અને એક સાથે ત્રણ મકાનોમાં રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે રૂા.4,76,500 ની માલમતાની ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના ગાંધીનગર નજીક આવેલા મોમાઈનગર વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવી એક સાથે ચાર મકાનોમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી ગયાના બનાવના કારણે રહેવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો આ અંગેની જાણ થતા પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થળ પર તપાસ હાથ ધરતા આ વિસ્તારમાં રહેતાં શિલ્પાબેન શંકરલાલ નિનામા નામની યુવતીના તા.31 ઓકટોબરથી તા.8 નવેમ્બર સુધી બંધ રહેલા મકાનમાંથી તેમજ બાજુમાં આવેલા ગીતાબા હરેન્દ્રસિંહ સોઢાના મકાનમાંથી તથા મનહરસિંહ હેમતસિંહ રાઠોડના મકાન સહિત કુલ ચાર મકાનોમાંથી તસ્કરોએ મુખ્ય દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી રૂમમાં રહેલા કબાટ અને ખાનામાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂા.4,76,500 ની માલમતાની ચોરી કરી ગયા હતાં. આ અંગે પોલીસે શિલ્પાબેનના નિવેદનના આધારે અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ગુનો નોંધી તસ્કરોને પગેરું મેળવવા ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ચક્રો ગતિમાન કર્યા હતાં.
મંગળવારે મોમાઈનગર વિસ્તારમાં એક સાથે ચાર મકાનોમાં ચોરી થયાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થળ પરથી તપાસ હાથ ધરતા આ વિસ્તારમાં રહેલાં સીસીટીવી ફૂટેજો મેળવ્યા હતાં. જેમાં મધ્યરાત્રિના સમયે બાઈકસવાર તસ્કરોના ફૂટેજો મળી આવતા પોલીસે આ ફૂટેજોમાં રહેલા તસ્કરોના વર્ણનના આધારે શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.