જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જાદુગરના શોના કાર્યક્રમનું આયોજન થયું છે. આજના ટેકનોલોજી અને મોબાઇલના યુગમાં આ એક પ્રાચિન કળા છે. જે બાળકોને ખૂબ પસંદ પડી શકશે. આજે બાળકો વધુ પડતા મોબાઇલમાં વ્યસ્ત હોય છે. ઘણાંને આવા કાર્યક્રમો વિશે પૂરતી માહિતી કે યાદ પણ નથી હોતી ત્યારે આ કાર્યક્રમ જાદુની કળા ને જીવંત રાખવા અને આજના બાળકો માટે મનોરંજનનું અગત્યનું માધ્યમ સાબિત થઈ શકે છે.
રામલીલા, નાટકો, સર્કસ, જાદુના શો, ભવાઈ એ એક પ્રકારની કળાઓ છે જે આજના આધુનિક ટેકનોલોજી અને મોબાઇલના યુગમાં વિસરાતી જઈ રહી છે. વર્ષે બે વર્ષે આવા કાર્યક્રમોના આયોજનો થતા હોય છે. બાળકો મોબાઇલમાં એટલા વ્યસ્ત થતા જાય છે અને મોબાઇલની ઘેલછા ાળકોને એટલી હદ્દે લાગી લાગી ગઈ છે કે તેના શિવાયની આપણી પૌરાણિક કળાઓ, રમતગમતો વિશે કદાચ આજના બાળકોને ખ્યાલ પણ નહીં હોય. આજના બાળકો કોઇપણ નવો મોબાઇલ તાત્કાલિક શીખી જશે અને અવનવી ગેમો પણ તાત્કાલિક શીખી જશે પરંતુ તેમને ભારતના અમૂલ્ય કહી શકાય તેવી કળાના સાધનો એટલે કે સર્કસ, નાટકો, રામલીલા, ભવાઈ, જાદુના શો, જેવ મનોરંજનના માધ્યમો અંગે ખૂબ જ ઓછું જ્ઞાન હશે. હવે આવા બધા પૌરાણિક મનોરંજનના માઘ્યમોનો ્રેઝ ઘટતો જઇ રહ્યો છે. ત્યારે આવો જ એક કાર્યક્રમ જામનગરના આંગણે શરૂ થયો છે, જામનગરમાં લાંબા સમય બાદ જાદુગરના શો નું આયોજન થયું છે.
જામનગરના શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જાદુગર લાલુભાઈ ચુડાસમાના જાદુના શો નું આયોજન થયું છે. જેનું તા.15 જાન્યુઆરીના રોજ જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી આ શો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જાદુગર લાલુ ચુડાસમાની ‘ખબર ગુજરાત’ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, જાદુની આ કળા તેમને વારસાગત મળી આવી છે. તેમના પરદાદા, દાદા, તેમના પિતા પણ જાદુના શો કરતા હતાં. તેમના પરદાદાએ 1864 થી જાદુની કળા લોકો સમક્ષ રજૂ કરવાનું શરૂ કર્યુ હતું. જે પરંપરા અવિરત ચાલતી આવી છે અને તેઓ આ પરંપરા આગળ વધારી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, 40 વર્ષ પુર્વે તેમના પિતા એ જામનગરમાં જાદુનો શો કર્યો હતો. જામનગર શહેરમાં અંબર ટોકીઝ નજીક તેના પિતાના શો નું આયોજન થયું હતું. ત્યારબાદ હવે તેઓ પ્રથમ વખત જામનગર આ શો લઇને આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, અગાઉનો યુગ ખૂબ જ અલગ હતો. અગાઉના સમયમાં મનોરંજનના માધ્યમો સીમીત હતાં. ટેકનોલોજીના માધ્યમો પણ સીમીત હતા. અગાઉ જાદુ, સર્કસ જેવા મનોરંજનના માધ્યમો ખૂબ પ્રચલિત હતાં અને તેમના થકી ખૂબ લોકચાહના મળતી હતી. લોકોમાં આવા શો પરત્યે ખૂબ જ ક્રેઝ અને આતુરતા જોવા મળતી. આજના મોબાઇલ અને સોશિયલ મીડિયાના માધ્યમો વચ્ચે લોકકલાકારોને જીવંત રહેવા સંઘર્ષ કરવો પડે છે. આજના મોબાઇલ અને ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે ફિલ્મો, ગીત સંગીત, નાટકો ઉપલબ્ધ છે. ત્યારે જાદુગરી, સર્કસ, રામલીલા, જેવા મનોરંજનના માધ્યમો ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે. આવા શો પાછળ થતો ખર્ચ પણ વધતો હોય છે. એવામાં આવા શો ના કલાકારોનો જીવન નિર્વાણ પણ સંઘર્ષરૂપી બનતું જાય છે.
બાળકોમાં મોબાઇલના વળગણ અંગે તેમણે જણાવ્યું હતું કે, આજે બાળક રડતુ હોય, જમતું ન હોય તો તરત તેમને મોબાઇલ પકડાવી દેવામાં આવે છે અને બાળક શાંત પણ પડી જાય છે પરંતુ, નોલેજ માટે મોબાઇલ ઉપોગી છે તો તેના દૂરુપયોગો પણ વધતા જાય છે. પારિવારિક સંબંધો ઉપર વેબસીરીઝોએ પાણી ફેરવી દીધું છે. જાદુના શો, નાટકો, સર્કસો જેવા મનોરંજના કાર્યક્રમોએ લોક કલાકારોની આગવી ઓળખ છે જે સંસ્કારોનું સીંચન કરી ઐતિહાસિક ધરોહરો વિશે પણ માહિતી પૂરી પાડે છે. પૌરાણિક કળાઓથી બાળકો માહિતગાર થઈ શકશે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જાદુગર ચુડાસમાના શો નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, દોઢથી બે મહિના સુધી અહીં કાર્યક્રમ યોજાશે. જેમાં બાયસીકલ, કટીંગ, પેટમાંથી આખુ પાનુ પસાર થવુ (ડેથ ઓફ ડ્રીલ), પાણીના ફુવારા ઉપર વ્ય્તિ ઉંચકાઈ જેવા અનેકવિધ વિશેષતા સાથેના જાદુ આ કાર્યક્રમમાં રજુ કરવામાં આવશે જે જામનગરની ખૂબ પસંદ પડશે અને બાળકોને કાંઈક નવું મનોરંજનનું માધ્યમ જોવા મળશે. ખાસ તો આ શો માં માં-બાપ તેના પુત્ર સહિતના પરિવારજનો સાથે પારિવારિક રીતે આ શો માણી શકશે.
આજના સમયમાં સોશિયલ મીડિયાઓમાં જાદુના પ્રયોગોને કેટલાંક લોકો ખુલ્લા પાડી દેતા હોય છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે જાદુ એક કળા છે, લોકો તેના સિકરે ખુલ્લા પાડી દે છે. પરંતુ, તે જાદુ નથી હોતું. જાદુગરના જાદુનું સિકરેટ કોઇ પાસે નથી હોતું તે માત્ર જાદુગર પોતાની પાસે જ હોય છે. લોકો પૈસા ખર્ચીને આવા શો નિહાળવા જાય છે અને તેમને મનોરંજનનું માધ્યમ પૂરુ પાડવામાં આવે છે જે આજના સમયમાં ખૂબ સંઘર્ષ વચ્ચે પસંદગી બને છે. ત્યારે જામનગરવાસીઓ પણ આ શો થકી બાળકોને મનોરંજનની સાથે પૌરાણિક કળાઓથી માહિતગાર કરી શકશે. જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે દરોજ રાત્રે 9:00 થી 12:00 વાગ્યાનો અને રવિવારે સાંજે 6:00 થી 9:00 અને 9:00 થી 12:00 ના બે શો નું આયોજન કરાયું છે.


