ખંભાળિયા શહેરની પાદરના અનેક વિસ્તારો કે જે પોસ રહેણાંક સોસાયટીમાં આવે છે, ત્યાં ગ્રામ પંચાયત હેઠળની કામગીરી તેમજ આ વિસ્તારો નગરપાલિકાનો લાભ મેળવવા છતાં ગ્રામ પંચાયતમાં આવતા હોય, આ અંગે તાજેતરમાં અહીંના આગેવાનો, સત્તાધીશોની યોજવામાં આવેલી એક મિટિંગમાં શહેરને સાંકળતી જુદી જુદી ચાર ગ્રામ પંચાયતોને ખંભાળિયા નગરપાલિકામાં ભેળવવા માટે નક્કી કરવામાં આવ્યું છે. તે માટે જરૂરી કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર અશોક શર્માને તાજેતરમાં ખંભાળિયા નજીકના ગ્રામ પંચાયત વિસ્તારોને જો ખંભાળિયા શહેરમાં ભેળવી અને નગરપાલિકા હસ્તક લેવામાં આવે તો અનેક વિકાસકાર્યો સારી રીતે થઈ શકે તેવા વિચારને રજૂ કરાતા તેના ફળસ્વરૂપે અહીંના આગેવાનો દ્વારા આ અંગેની કરવામાં આવેલી મીટીંગમાં ખંભાળિયા શહેર નજીક આવેલા હર્ષદપુર, રામનગર, શક્તિનગર તથા ધરમપુર ગ્રામ પંચાયતને શહેરમાં ભેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયા શહેર કે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક છે, તેનો વિસ્તાર માંડ બે કિલોમીટરનો જ છે. જેના કારણે સરકાર દ્વારા સી કેટેગરીની ખંભાળિયા નગરપાલિકાને મળતી આશરે ત્રણે કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટથી તમામ પ્રકારના વિકાસ કાર્યો થઈ શકતા નથી. જ્યારે ખંભાળિયા શહેરની બગલમાં જ આવેલી શક્તિનગર, ધરમપુર, રામનગર અને હર્ષદપુર ગ્રામ પંચાયતના વિસ્તારો કે જે નગરપાલિકાની હદમાં ન હોવા છતાં ખંભાળિયા નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ, નળ કનેક્શન, કચરાના નિકાલ વિગેરે સેવાનો પણ લાભ મેળવે છે.
જ્યારે આ ગ્રામ પંચાયતના વિસ્તારો રામનાથ સોસાયટીનો ભાગ, પોલીસ લાઈન, બંગલાવાડી, કલ્યાણબાગ, જે.કે.વી. નગર, શ્રીજી સોસાયટી, તેલી નદીના કાંઠાનો વિસ્તાર, તિરૂપતિ સોસાયટી, વિગેરે વિસ્તારો પોસ વિસ્તારોમાંના પણ માણવામાં આવે છે. જો કે ગ્રામ પંચાયતમાં આવતી ખૂબ જ ઓછી ગ્રાન્ટ અપૂરતી બની રહેતા પ્રાથમિક સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં મળી શકતી નથી.
આ તમામ વિસ્તારો ખંભાળિયા નગરપાલિકામાં ભળી જાય તે માટે આગળની કાર્યવાહી કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વની બેઠકમાં તમામ ચાર ગ્રામ પંચાયતોના સરપંચ, ઉપસરપંચ, તલાટી, ગામના આગેવાનો, હોદ્દેદારો સાથે જિલ્લા ભાજપના મહામંત્રી, નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, ઇજનેર, વિગેરે સાથે સ્થાનિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
હાલ ખંભાળિયા શહેરની સત્તાવાર વસ્તી આશરે 50 હજાર જેટલી છે અને તે મુજબ જ શહેરને ગ્રાન્ટ મળે છે. ઉપરોક્ત ચાર ગ્રામ પંચાયતો જો ખંભાળિયા શહેરમાં ભળી જાય તો શહેરના વિકાસ માટે મળતી ગ્રાન્ટ ડબલ થઈ જાય. કોઈ મોટા વિકાસ કામ કરવા માટે ખંભાળિયા નગરપાલિકા પાસે હાલ અપૂરતી જગ્યા હોય, જેથી અનેક કાર્યો અટકી જાય છે. આ પરિસ્થિતિમાં જો ગ્રામ પંચાયતના વિસ્તારો શહેરમાં ભળી જાય તો વધુ ગ્રાન્ટ સાથે વધુ સારા વિકાસ કાર્યો કરી શકાય. એટલું જ નહીં, આ વિસ્તારમાં રહેતા લોકોને પણ વધુ સારી સુવિધાઓનો લાભ મળી શકે.
અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉના સમયમાં પણ ઉપરોક્ત ચાર ગ્રામ પંચાયતો શહેરમાં ભળી જાય તે માટેની વાતો વહેતી થઈ હતી. પરંતુ તાજેતરમાં આ બાબતે યોજાયેલી ખાસ મિટિંગમાં આ ગ્રામ પંચાયતના સરપંચ, હોદ્દેદારો પંચાયતમાં ઠરાવ કરીને પોતાનો વિસ્તાર શહેરમાં ભળે તે માટે કામગીરી કરનાર હોવાનું પણ જાણવા મળ્યું છે. જો તમામ કાર્યવાહી આયોજન બદ્ધ રીતે થાય તો ખંભાળિયા શહેર સાથ સાથે આસપાસના વિસ્તારોનો વિકાસ પણ વધી શકે તેવું જાણકારોનું માનવું છે.