ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી રહી છે. સોમવારે કેન્દ્રની એક ટીમ અહીં પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન આજે એક્સપર્ટ તરફથી હોટેલ મલારી ઇન અને હોટેલ માઉન્ટ વ્યૂને અસુરક્ષિત જાહેર કરાયા બાદ તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બુલડોઝર સાથે ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તેને તોડી પાડવાનું કામ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
બે હોટલ મલારી ઇન અને હોટેલ માઉન્ટ વ્યુ તોડી પાડવામાં આવશે. SDRFના કમાન્ડન્ટ મણિકાંત મિશ્રાએ કહ્યું કે આજે ટીમે હોટેલ મલારી ઇનને તોડી પાડવાનો નિર્ણય કર્યો છે. પહેલા ઉપરનો ભાગ તોડી નાખવામાં આવશે. બંને હોટલ એકબીજાની ખૂબ નજીક આવી ગઈ છે. તેમની આસપાસ ઘરો છે તેથી તેને તોડી પાડવી તે જરૂરી છે. જો હોટેલ વધુ ધસી પડશે, તો તે પડી જશે. SDRF તહેનાત કરવામાં આવી છે. લાઉડ સ્પીકર દ્વારા લોકોને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવી રહ્યું છે. હોટલ મલારી ઇનના માલિક ઠાકુરસિંહ રાણાનું કહેવું છે કે તેમને વહીવટીતંત્ર તરફથી કોઈ નોટિસ મળી નથી. તેમણે કહ્યું કે હું લોકોના હિતમાં પોતાની હોટલ તોડી પાડવાના સરકારના નિર્ણયની સાથે છું. પરંતુ મને તે પહેલા નોટિસ મળવી જોઈતી હતી. હોટલનું મુલ્યાંકન કરવું જોઈતું જોઈએ.
આજે ગૃહ મંત્રાલયની એક ટીમ જોશીમઠ આવશે અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનની સમીક્ષા કરશે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. સ્વામી પણ 22મી જાન્યુઆરીથી યજ્ઞ કરવાના છે. NTPCએ એક નિવેદનમાં કહ્યું- NTPC દ્વારા બનાવવામાં આવેલી ટનલ જોશીમઠ નગરની નીચેથી પસાર થતી નથી.