હોટલો, લારીઓમાં તેમજ ફળો અને શાકભાજીઓની દુકાનો, લારીઓમાં લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થતાં રહે છે. આવા વેપારીઓને સીધા દોર કરવા માટે સરકારે કાયદાઓ કર્યા છે. પરંતુ કાયદાઓનો અમલ કરાવનારાઓ નિષ્ઠાવાન ન હોવાને કારણે કાયદાઓ સરેઆમ તૂટે છે અને નાગરિકો તેનો ભોગ બને છે. ફળોને પકાવવા માટે થતાં ઝેરી રસાયણોના ઉપયોગમાં આ વાત એટલી જ યર્થાથ થાય છે. જામનગરમાં ઠેક-ઠેકાણે કાર્બાઇડવાળી કેરી વેચાય છે. પરંતુ જામ્યુકોનું તંત્ર માત્ર 100-200 કિલો કેરી અખાદ્યરૂપમાં પકડાયેલી જાહેર કરે છે. જેનો ભોગ સામાન્ય નાગરિકો બનતા હોય છે.
વધારે નફો મેળવવાની લાલચમાં વેપારીઓ ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યાં છે. ખાસ કરીને કાચાફળોને ઝડપથી પકવવા માટે ઝેરી તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. જે લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર કરે છે. ફળોના વેપારીઓ દ્વારા કાર્બાઇડથી ફળોને પકવવામાં આવે છે. જે માનવજાત માટે ભયંકર ખતરારૂપ છે. તંત્ર આવા વેપારીઓ વિરુધ્ધ દેખાડા પુરતી કામગીરી કરે છે. પરંતુ એકંદરે બધુ જેમનું-તેમ ચાલતુ રહે છે. હોટલો, લારીઓમાં લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થતાં રહે છે. લોકોને અખાદ્ય ચીજો ખુલ્લેઆમ ખવડાવવામાં આવે છે અને લોકો પણ નાણા ચૂકવીને હોંશે-હોંશે ન ખાવાનું ખાય પણ છે.
હાલ કેરીની સિઝન ચાલી રહી છે. ફળોનો રાજા ગણાતી કેરી લોકોની ખાસ પસંદ હોય છે. નાના બાળકોથી લઇને વડીલો સુધી દરેકને કેરી પસંદ હોય છે. પરંતુ આપણે જે કેરી ખાઇએ છીએ તે શું સ્વાસ્થ્યવર્ધક છે કે નહીં તે મોટો પ્રશ્ર્ન છે. આજે વેપારીઓ ઝડપથી અને વધારે નફો મેળવવાની લાલચમાં કેરી ઝડપથી પાકે તે માટે ઝેરી તત્વોનો બેફામ ઉપયોગ કરતાં હોય છે. કેરી ઉપરાંત કેળા, તરબૂચ સહિતના અનેક ફળો આ રીતે ઝેરી તત્વોથી પકવવામાં આવતાં હોય છે. આવા ઝેરી તત્વોને કારણે ફળો ઝડપથી પાકી તો જાય છે. પરંતુ ઝેરી રસાયણો માનવજાત માટે ભયંકર ખતરારૂપ છે. તેના કારણે કેન્સર સહિતની અનેક બિમારીઓ પણ નોતરે છે. લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડાં કરતાં આવા વેપારીઓ સામે સરકારે કાયદાઓ બનાવ્યા છે, પરંતુ કાયદાઓનો અમલ કરાવનારા નિષ્ઠાવાન અધિકારીઓ કે કર્મચારીઓ છે ખરા…??
હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે. ઉનાળાની ગરમીમાં લોકો ગોલા, શેરડીનો રસ, આઇસ્ક્રીમનો સહારો લેતાં હોય છે. આ ઉપરાંત ગરમીની સિઝન સાથે જામનગર શહેરમાં ઠેક-ઠેકાણે શેરડીના રસના ચિચોડા શરૂ થઇ જતાં હોય છે. કેટલાંક શેરડીના રસના વેપારી 10 થી 15 રૂપિયામાં શેરડીનો રસ વહેંચે છે, તો કેટલીક જગ્યાએ રૂા. 5માં શેરડીનો રસ વેચાઇ રહ્યો છે. આટલી નીચી કિંમતી શેરડીનો રસ વેચતા વેપારીઓ કેવી માલ-સામગ્રીનો ઉપયોગ કરે છે. તે ફૂડ શાખા તપાસ કરે છે કે શું? તેમજ ફળોના રાજા કેરી અને કેરીના રસની મજા માણતાં હોય છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા સિઝન દરમિયાન કે, વાર-તહેવારે દેખાડા પૂરતા દરોડા પાડવાના નાટક કરે છે. કેરીની જ વાત કરીએ તો હજારો કિલો કેરી પૈકીની 100-200 કિલો જેટલી માત્ર નામની અખાદ્ય કેરીના રૂપમાં પકડાયેલી જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ચાઇનીઝ, પંજાબી સહિતની હોટલોમાંથી પણ માત્ર બે-પાંચ કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવે છે. જ્યારે બાકીની આ પ્રકારની હજારો કિલો કેરી કે, ખાદ્ય સામગ્રીનું શું…??
જીભના સ્વાદની લાલચે લોકો પોતાના આરોગ્ય સાથે ચેડા થતાં હોવા છતાં આવી વસ્તુઓ આરોગતા હોય છે. તંત્રો નાટકના રૂપમાં દરોડા પાડે, છાપાઓમાં સમાચારો બને અને પછી બધા ભૂલી જાય અને વેપારીઓ ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં રહે છે. –સૂચિત બારડ