ખંભાળિયા શહેરમાં છેલ્લા આશરે એક દાયકાથી વધુ સમય થયા “ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળ” (ખાડા) અમલમાં આવ્યું છે. ત્યારથી અહીં બાંધકામની પરવાનગી તથા સર્ટિફિકેટ આપવાની સત્તા ખંભાળિયા નગરપાલિકા પાસેથી લઈને “ખાડા”ને આપી દેવામાં આવી છે. આ પરિસ્થિતિમાં મોટી સંખ્યામાં અનેક આસામીઓ કે જે નગરપાલિકા પાસેથી બાંધકામની મંજૂરી તેમજ કંપની સર્ટિફિકેટ મેળવતા હોય તેઓને કમ્પ્લીશન સર્ટિફિકેટના અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
ખંભાળિયામાં વિવિધ મિલકતો ધરાવતા આસામીઓને લોન લેવા, વેચાણ કરવા તેમજ અન્ય બાબતે કમ્પ્લીશન સર્ટિફિકેટના અભાવે ભારે હાલાકી થતી હોવાથી આ અંગે ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકાના પ્રમુખ કિશોરભાઈ દતાણી, વિગેરેએ સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીને રજૂઆતો કરી હતી.
જેના અનુસંધાને તાજેતરમાં જિલ્લા કલેકટર અશોક શર્મા સાથે અગ્રણી મયુરભાઈ ગઢવી, દિનેશભાઈ દતાણી, યોગેશભાઈ મોટાણી, અનિલભાઈ તન્ના ઉપરાંત નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ, ઈજનેર એન.આર. નંદાણીયાની ખાસ બેઠક યોજવામાં આવી હતી. પાલિકા દ્વારા બાંધકામની મંજૂરી આપેલી હોય અને “ખાડા” દ્વારા જો કમ્પ્લીશન સર્ટિફિકેટ ન અપાયું હોય તેવા આસામીઓ માટે ખાસ રસ્તો કાઢીને નગરપાલિકા કમ્પ્લીશન સર્ટિફિકેટ આપે તેવી મંજૂરી સાથેનો ખાસ ઠરાવ જનરલ બોર્ડમાં કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તારીખ 24ના રોજ સવારે 11 વાગ્યે નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે ઉપરોક્ત મુદ્દે ખાસ સામાન્ય સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે “ખાડા” અને પાલિકા કચેરીના આ વહીવટ વચ્ચે સંકલનના અભાવે અનેક આસામીઓ હાલાકીમાં મુકાઈ રહ્યા હોવાનો મુદ્દો ગંભીરતાપૂર્વક સામે આવ્યો હતો. જેનું નિરાકરણ હવે આગામી ટૂંક સમયમાં આવી જશે.