Wednesday, December 25, 2024
Homeબિઝનેસચલણી નોટ છાપો, અર્થતંત્ર બચાવો

ચલણી નોટ છાપો, અર્થતંત્ર બચાવો

કોટક બેન્કના ચેરમેન ઉદય કોટકે કહ્યું નોટ છાપીને પણ ગરીબોને સીધી રોકડ રકમ આપો: સરકારે આરબીઆઇની મદદથી પોતાની બેલેન્સશીટ સુધારવી જોઇએ

- Advertisement -

કોરોના મહામારીને કારણે દેશના અર્થતંત્ર પર ખૂબ જ ખરાબ અસર પડી છે અને અર્થતંત્રને વેગ આપવા માટે દેશમાં વધારે ચલણી નોટો છાપવાની જરૂર છે તેમ કોટક મહિન્દ્રા બેંકના ચેરમેન ઉદય કોટકે એક નિવેદનમાં જણાવ્યું છે.

- Advertisement -

તેમણે જણાવ્યું હતું કે સરકાર માટે આ સમય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મદદથી પોતાની બેલેન્સશીટ સુધારવાનો છે. આ માટે આરબીઆઇએ વધારે કરન્સી નોટો છાપવી પડશે. અર્થતંત્રને વેગ આપવા માટે વહેલામાં વહેલી તકે પગલાં ભરવાની જરૂર છે. જો અત્યારે અર્થતંત્રને વેગ આપવામાં આવશે નહીં તો ક્યારે આપવામાં આવશે? સરકારે બે પાસાઓ પર ધ્યાન રાખી આગળ વધવાની જરૂર છે. જે લોકો ગરીબને છે તેમને સહાય આપવામાં આવે તથા મહામારીને કારણે જે સેક્ટરને સૌથી વધુ અસર થઇ છે તેમને પણ મદદ કરવામાં આવે. જેથી કરીને તેમાં નોકરી કરતા કર્મચારીઓની નોકરી જતી ન રહે.

ઉદય કોટકે જણાવ્યું હતું કે ગરીબોના ખાતામાં ડાયરેક્ટ નાણા જમા કરાવવા માટે સરકારે જીડીપીના એક ટકા રકમ ખર્ચ કરવાની જરૂર છે. ગરીબી રેખાની નીચે જીવતા લોકોની સારવાર માટે મેડિકલ સહાય પણ ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. ઉદય કોટકે વધુમાં જણાવ્યું છે કે કોરોના મહામારીને કારણે દેશના બિઝનેસ બે ભાગમાં વહેંચાઇ ગયા છે. એક કેટેગરીના બિઝનેસ એવા છે જેમના પર કોરોનાની અસર ઓછી જોવા મળી છે અને તે પડકારજનક સમયમાં પણ ટકી રહેવામાં સફળ રહ્યાં છે. જ્યારે બીજી બાજુ કેટલાક બિઝનેસ એવા છે જેમને મહામારીની એટલી ખરાબ અસર થઇ છે કે તેમને ટકી રહેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે દેશમાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે અર્થતંત્રની સ્થિતિ અત્યંત કથળી ગઈ છે. વધુમાં કોરોના મહામારી પહેલાં પણ દેશની આર્થિક સ્થિતિ વધુ સારી નહોતી. સરકારે અર્થતંત્રને બેઠું કરવા માટે સ્ટીમ્યુલસ પેકેજ આપ્યું હતું. પરંતુ અર્થતંત્ર પર તેની અસર થતાં ઘણો સમય લાગશે. એવામાં કોરોના મહામારીની બીજી લહેરે અર્થતંત્રમાં વધુ સમસ્યાઓ પેદા કરી છે. દેશમાં અર્થતંત્રની સ્થિતિ સુધારવા માટે હવે નોટો છાપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તેમ કેટલાક નિષ્ણાતોનું માનવું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular