ઓખા અને બેટદ્વારકાને જોડતા અંદાજિત 778.93 કરોડના ખર્ચે નવનિર્મિત દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણના અવસર પર વડાપ્રધાનની હાલારની મુલાકાતે આવ્યા હતાં. જામનગર ખાતે રોડ-શો અને રાત્રી રોકાણ બાદ વડાપ્રધાન સવારના દ્વારકા ખાતે પહોંચ્યા હતાં અને જગત મંદિર ખાતે દ્વારકાધીશના દર્શન કર્યા હતાં અને ધ્વજારોહણની પૂજાનો લાભ પણ લીધો હતો.
ભારતના વડાપ્રધાન ભારતીયોમાં ખૂબ જ પ્રિય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ પોતાના ચાહકોની ભાવનાઓને હંમેશા માન અને આદર આપતા જોવા મળે છે. ત્યારે દ્વારકા ખાતે પણ એક અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. આટલા સમયમાં ન બની હોય તેવી ઘટના પ્રથમવાર બની હતી. ભારતના યશસ્વી વડાપ્રધાન અને લોકોના લાડીલા નરેન્દ્રભાઇ મોદી જ્યારે જગત મંદિર ખાતે દ્વારકાધીશના દર્શર્ને પહોંચ્યા ત્યારે તેમની હાજરીમાં હજારો લોકોએ તેમની સાથે દર્શન કરવાનો લ્હાવો લીધો હતો.
દ્વારકાધીશના મંદિરમાં નિજ મંદિર ખાતે મોદીજીએ પૂજા કરી હતી. ત્યારે તે જ સમયે હજારો ભક્તોએ મોદી સાથે દર્શન કર્યા હતાં અને વડાપ્રધાને દ્વારકાધીશની પૂજારીની જેમ સેવા પૂજા કરી એ સમયે એક હજારથી વધુ લોકોએ દર્શનનો લાભ લીધો હતો. પ્રથમ વખત વીવીઆઇપી સાથે દર્શનાર્થીઓએ દર્શન કર્યા હોય, તેવો બનાવ બન્યો હતો. વડાપ્રધાને ભક્તોનો ભાવ અને અભિવાદન ઝિલ્યુ અને સૌએ સાથે મળીને જય દ્વારકાધીશથી મોદીને આવકાર્યા હતાં.
આ ઉપરાંત વડાપ્રધાને દ્વારકાધીશ મંદિર ખાતે ધ્વજારોહણ માટે ધ્વજાની પૂજા કરી હતી. જે ધ્વજાને પોલીસ પરિવારો દ્વારા પ્રદક્ષિણા અને ધ્વજાજીને માથે લેવાનો અવસર મળ્યો હતો. વડાપ્રધાન દ્વારા પૂજા કરાયેલી ધ્વજાજીને પોલીસ પરિવારો દ્વારા વાજતે-ગાજતે પ્રદક્ષિણા અને ચડાવવાનો લાભ પણ મળ્યો હતો. આમ, આઇજી, એસપી સહિતના પોલીસ સ્ટાફની સુરક્ષા વચ્ચે વડાપ્રધાન સાથે પોલીસ પરિવારો તેમજ યાત્રાળુઓએ પુરતી વ્યવસ્થા વચ્ચે દર્શનનો લાભ લીધો હતો અને વડાપ્રધાન મોદીએ ભગવાન દ્વારકાધીશના આશિર્વાદ મેળવ્યા હતાં.