વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગરમાં રાત્રિ રોકાણ અને રાજ્યપાલના જામનગર બે દિવસના પ્રવાસને અનુલક્ષીને રેંજ આઈજી તથા પોલીસવડા દ્વારા જિલ્લા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સર્કિટ હાઉસમાં આઈજી તથા પોલીસવડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકામાં નવનિર્મિત્ત સિગ્નચેર બ્રીજનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે. વડાપ્રધાનના આગમન પૂર્વે જામનગર અને દ્વારકા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન જામનગરના સર્કિટના હાઉસમાં રાત્રિના રોકાણ કર્યા બાદ સવારે દ્વારકા જવા રવાના થશે. જામનગરમાં વડાપ્રધાનના રાત્રિ રોકાણ પૂર્વે તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ મંગળવારે જામનગર આવ્યા હતાં અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી અને પોલીસ ઈન્સ્પેકટરો સાથે સર્કિટ હાઉસમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું. ઉપરાંત સુરક્ષામાં કોઇ કચાશ ન રહી જાય તે માટે અધિકારીઓને તાકીદ કરી હતી. વડાપ્રધાનના આગમન પૂર્વે મંગળવારે બપોરે રાજ્યપાલ બે દિવસના જામનગરના પ્રવાસે આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને રાજ્યપાલ બાદ વડાપ્રધાન મોદી હાલારમાં આવનાર હોય, જેથી પોલીસે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહી જાય તે અંગેની વ્યવસ્થા ગોઠવી છે.