સંસદના ચોમાસુ સત્રના અંત બાદ હવે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં 2024 પુર્વેના એક મહત્વના મંત્રીમંડળમાં ફેરફારની કવાયત શરૂ થઈ છે અને તેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળના સભ્યોને તેમના વિભાગોની કાર્યક્ષમતા-અસરકારકતા વધારવા તથા શાસનનું શ્રેષ્ઠ મોડેલ રજૂ કરવા તાકીદ કરી છે. આ ઉપરાંત તમામ મંત્રીઓ પાસેથી તેમના વિભાગોમાં જે મુખ્ય મુદાઓ છે તેના પર તેઓ કઈ રીતે પગલા લેવા માંગે છે તેના પર એક રીપોર્ટ માંગ્યો છે. ખુદ વડાપ્રધાન કાર્યાલયે 2019થી 2022ના ગાળામાં દરેક મંત્રાલયમાં જે કામકાજના મુખ્ય પ્રશ્ર્નો છે
તેના પર મંત્રાલયનો રીપોર્ટ આપવા જણાવ્યું છે. સૌથી મહત્વનું વિવિધ મંત્રાલય દ્વારા જે ખરીદી અને સેવા મેળવાય છે તે સરકારી પોર્ટલ મારફત જ મેળવવા આવે તે તાકીદ કરી છે જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે અને સ્પર્ધાત્મક પણ રહેશે. આ ઉપરાંત મંત્રીઓએ તેમના મંત્રાલયના સીનીયર અધિકારીઓ સાથે ટિફીન બેઠક યોજવા અને તેમાં મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ ખુદનું ટિફીન લઈને સાથે ભોજન કરીને એક ટીમ બનાવીને કામ કરે તે જોવા પણ જણાવ્યું છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે 2014 થી 2022 સુધીમાં અનેકવિધ યોજનાઓ લોકકલ્યાણના પ્રોજેકટ વિ. લોન્ચ કર્યા છે અને તેમાં જંગી રકમનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે.