તાજેતરમાં કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં પરંપરાગત દવાઓના પ્રચાર પ્રસાર માટે આંતરરાષ્ટ્રિય સેન્ટરને મંજૂરી આપવામાં આવ્યા બાદ આ સેન્ટરના શિલાયાન્સ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ર4 એપ્રિલે જામનગરની મુલાકાતે આવી શકે છે. જો કે, કોઇ સત્તાવાર કાર્યક્રમ હજુ સુધી જાહેર થયો નથી. પરંતુ આધારભૂત વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન 24મીએ જામનગરમાં યોજાનાર આયુષ મંત્રાલયના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને તેઓ ત્યાં નિર્માણ પામનાર વૈશ્વિક સેન્ટરનો શિલાન્યાસ પણ કરશે. વડાપ્રધાનની મુલાકાત અંગેનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ટુંક સમયમાં તેની જાહેરાત પણ કરવામાં આવે તેવી શક્યતા છે. અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે વડાપ્રધાનની આ મુલાકાત સુચક માનવામાં આવે છે. તેઓ આ મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્રની સ્પર્શતી કેટલીક જાહેરાત કરે તેવી પણ શક્યતા છે. વડાપ્રધાનની જામનગરની મુલાકાતની તારીખ અને સમય અંગે પીએમઓ અને જામનગર વહિવટી તંત્ર વચ્ચે ફોનની ધણધણટી શરૂ થઇ હોવાનું પણ જાણવા મળે છે.