રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે ગત તા.12 જાન્યુઆરીના રોજ મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગર ખાતે દરેક યુવાનને રોજગાર મળે તેવા ઉમદા ધ્યેય સાથે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાદેશિક કચેરી (રોજગાર) રાજકોટના નાયબ નિયામક (રોજગાર) ચેતનાબેન મારડિયાએ રોજગારીની તકો, રોજગાર કચેરીની કામગીરી વિષે ઉમેદવારો અને નોકરીદાતાઓને પ્રેરણારૂપ માર્ગદર્શન આપ્યું હતું.
ત્યારબાદ પ્લેસમેન્ટ ઓફિસર દ્વારા સ્વરોજગાર, રોજગાર રજીસ્ટ્રેશન, અનુબંધમ પોર્ટલ વિષે તેમજ જોબફેરની વિવિધ વેકેન્સી વિષે માહિતી આપવામાં આવી હતી. વિવિધ નોકરીદાતાઓ દ્વારા તેમની કંપનીઓની પ્રાથમિક માહિતી ઉમેદવારોને આપવામાં આવી હતી. આ જોબફેરમાં 7 જેટલા ખાનગી એકમોના નોકરીદાતાઓ દ્વારા હાજર 124 જેટલા ઉમેદવારોનું સ્થળ પર જ ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. જેમાં જોબફેરના અંતે 68 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્લેસમેન્ટ ઓફિસર વિરેન્દ્રસિંહ વાઢેરે કર્યું હતું. કાર્યક્રમના અંતે જુનિયર રોજગાર અધિકારી ભારતીબેન ગોજીયાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગરના મદદનીશ નિયામક(રોજગાર) સરોજબેન સાંડપા, જામનગર જિલ્લા રોજગાર કચેરીનો સમગ્ર સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં યુવાનો હાજર રહયા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા રોજગાર કચેરીના તમામ સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી તેમ મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.