ગુજરાત સહીત દેશભરમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના કેસ બમણા થયા હતા. તો આજે ભારતમાં 24 કલાકમાં કોવિડ-19 પોઝીટીવ કેસમાં 56% નો ઉછાળો આવ્યો છે. દેશમાં આજે 90હજાર કરતાં પણ વધુ કેસ નોંધાયા છે. ત્યારે સંક્રમણ વધુ ણ ફેલાય અને વિદ્યાર્થીઓ કોરોનાનો ભોગ ન બને તેની સાવચેતીના ભાગરૂપે કેન્દ્રસાશિત પ્રદેશો દીવ અને દમણમાં આજથી પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રસાશિત પ્રદેશો દીવ-દમણમાં અજથી એટલે કે 6જાન્યુઆરીથી ધો.1થી8ની શાળાઓ બંધ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. દમણ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં શાળાઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તમામ સરકારી અને પ્રાઇવેટ પ્રાથમિક શાળાઓનાં ધોરણ 1 થી 8નાં વર્ગો અને આંગણવાડીઓને નવો આદેશ ન આવે ત્યાં સુધી બંધ રાખવાનાં આદેશ છે. આ દરમિયાન ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.
દીવમાં પણ શિક્ષણ ક્ષેત્રે આકરા નિર્ણયો લેવામા આવ્યા છે. દીવમા ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું છે. આ અંગે દીવના કલેકટર સલોની રાય દ્વારા માહિતી આપવામાં આવી છે. સાથે જ પ્રદેશની અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોવિડ 19ની તમામ ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવા માટે પ્રશાસન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત દીવ જતા પ્રવાસીઓને પણ કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવા અને વેક્સિનના બન્ને ડોઝ ફરજીયાત બનાવવામાં આવ્યા છે.