વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) વિકસિત ભારત જી રામ જી અધિનિયમ 2025 અંગે જામનગર શહેર-જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, VB-G RAM-G ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા મહાત્મા ગાંધીજીના વિચારોને અનુરૂપ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની દેશની કેન્દ્ર સરકારનું અતિમહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. તેમજ કોંગ્રેસને ભ્રષ્ટાચારની ફેકટરી હોવાનું પણ જણાવ્યું હતું.
જામનગર – દેવભૂમિ દ્વારકા સાંસદ પૂનમબેન માડમ, ભાજપ જામનગર જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, જામનગર શહેર અધ્યક્ષ બિનાબેન કોઠારીએ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) VB-G RAM-G અધિનિયમ, 2025 અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતું.
સાંસદ પૂનમબેન માડમએ પ્રેસવાર્તાને સંબોધતા જણાવ્યું હતું કે, વિશ્વ નેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગત 11 વર્ષના કાર્યકાળ દરમિયાન દરેક નિર્ણયમાં લોકહિત કેન્દ્રસ્થાને રહ્યુ છે. જેના પરિણામે દેશના વિકાસને નવી ગતિ, નવી દિશા મળી છે. સમાજના છેવાડાના, વંચિત, ગરિબ તેમજ નાનામા નાના વ્યક્તિને વિકાસની મુખ્યધારામાં લાવવાનું કામ થયું છે. વડાપ્રધાનએ આવાસ, આરોગ્ય, આહાર, આજીવિકા માટેની વિવિધ યોજનાઓ દ્વારા ગરીબોને સશક્ત કર્યા છે. આ વિવિધ યોજનાઓ થકી છેલ્લા એક દાયકામાં દેશમાં 25 કરોડથી વધુ ગરીબો ગરીબીરેખાથી બહાર આવ્યા છે. ગ્રામીણ ગરીબો અને શ્રમિકો વધુ સશક્ત બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ VB-G RAM-G યોજના લઇને આવ્યા છે. આ યોજના લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે. પહેલાની મનરેગા યોજનામાં 100 દિવસ કામ મળતુ હતું. હવે મોદીજીના નેતૃત્વમાં બનેલી VB-G RAM-G યોજનામાં 125 દિવસ કામની ગેરેંટી મળશે. આમાં કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા બંનેનું બેલેન્સ જળવાયુ છે. વાવણી અને કાપણીની મોસમમાં 60 દિવસ સુધી યોજનાનું કામ રોકવાની જોગવાઇ કરવામાં આવી છે જેથી ખેતીની સિઝનમાં શ્રમિકો ખેતીનું કામ કરી શકે. VB-G RAM-Gમાં 125 દિવસ અને 60 દિવસ ખેતીની સિઝનમાં એમ કુલ 185 દિવસ રોજગારી મળી શકશે.આ યોજનાનમાં કેન્દ્ર સરકારથી ગ્રામ પંચાયત સુધી વિકાસની આખી ઇકોસિસ્ટમ બનશે અને ગ્રામ સ્વરાજનો સંકલ્પ પાર પડશે. જેનાથી આપણે સંતુલિત વિકાસની દિશામાં વધુ ચોક્કસ રીતે આગળ વધી શકીશું. વિકસિત ભારત જી રામજીમાં જળ સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામેનું રક્ષણ રાખવામાં આવ્યું છે.
View this post on Instagram
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યોજનાના સુચારુ અમલ માટે ટેકનોલોજીના પણ મહત્તમ ઉપયોગ સાથે બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન, જીયોટેગીંગ અને રિયલ ટાઇમ ડેશબોર્ડ દ્વારા પારદર્શિતા સુનિશ્ચિત થશે. વેતનની ચૂંકવણી પણ સમયસર થાય તે માટે વિલંબ માટે વળતરની પણ જોગવાઇ છે. વિકસીત ભારત જી રામ જી યોજના શ્રમનું સન્માન છે. વિકસિત ભારત જી રામ જી યોજના ગરિબોનું સન્માન કરીને ગ્રામિણ અર્થવ્યવસ્થાને વધુ ગતિ આપશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝન હર હાથ કો કામ, હર કામ કા સન્માન ને સાકાર કરવામાં ગામાડા અને ગરિબોને સશક્ત કરવામાં આ યોજના વધુ મજબૂતાઇ આપશે. દેશની આઝાદીના શતાબ્દી વર્ષ 2047માં પ્રત્યેક ક્ષેત્રમાં વિશ્વસ્તરે ભારતની અગ્રેસરતા સાથેના વિકસિત ભારતના નિર્માણના વિઝન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી નિર્ણાયકતા અને દૂરંદેશીતા સાથે દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે. વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) VB-G RAM-G અધિનિયમ, 2025 ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની દેશની કેન્દ્ર સરકારનું આ જ દિશામાં એક અતિમહત્વપૂર્ણ પગલું છે. આ સમગ્ર યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ છે.
મનરેગા 2005માં શરૂ થઈ હતી. પરંતુ ત્યારથી આજનું ગ્રામીણ ભારત ઘણું બદલાઈ ચૂક્યું છે. ગ્રામીણ ગરીબી 2011-12માં 25.7 ટકા હતી. જે 2023-24માં ઘટીને 4.86 ટકા થઈ છે. સુવિધાઓ સુધરી છે અને આજીવિકાના સાધનો વિસ્તર્યા છે. તેથી 2005ની પરિસ્થિતિ મુજબ બનાવેલ યોજના આજના સમયની ગ્રામીણ અર્થવ્યવસ્થાને અનુરૂપ ન રહેતા, આજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનામાં ફેરફાર કરવામાં આવ્યા છે. MGNREGA માટી કામ, તળાવનું કામ કે રોડ બનાવવા સહિતના મજૂરી કામ પૂરતી મર્યાદિત હતી જ્યારે VB-G RAM-G નો ઉદ્દેશ્ય માત્ર મજૂરી કામ થકી વેતન આપવાનો નહિ પણ કૌશલ્ય વિકાસ સાથે ખેતી આધારિત ઉદ્યોગ, પશુપાલન, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, હસ્તકલા, ગ્રામ્ય MSME અને સ્થાનિક ઉદ્યોગોમાં કામ થકી વ્યક્તિને ફક્ત મજૂર તરીકે નહીં પરંતુ સક્ષમ અને આત્મવિશ્વાસી અને ભવિષ્યના ઉદ્યોગસાહસિક તરીકે તૈયાર કરવાનો છે. મનરેગામાં 100 દિવસ કામની ગેરેંટી હતી જ્યારે VB-G RAM-G માં 125 દિવસના કામની ગેરંટી આપવામાં આવી છે. મનરેગામાં 15 દિવસે વેતન ચૂકવવામાં આવતું હતું જ્યારે VB-G RAM-Gમાં સાપ્તાહિક વેતન ચૂકવણીની વ્યવસ્થા કરવામાં આવી છે. VB-G RAM-Gમાં રિયલ-ટાઈમ ડેટા અપલોડ, GPS અને મોબાઇલ આધારિત મોનિટરિંગ, બાયોમેટ્રિક અને AIના ઉપયોગથી પારદર્શીતા વધવાથી નકલી જોબકાર્ડથી બનાવટી લાભાર્થીઓ લાભ નહિ લઈ શકે. મનરેગામાં થતો ભ્રષ્ટાચાર અટકશે. કોંગ્રેસના નેતા પુર્વ વડાપ્રધાન સ્વ. રાજીવગાંધી કહેતા કે, તેઓ એક રૂપિયો મોકલે તો જનતા સુધી માત્ર 15 પૈસા પહોંચતા હતા. વચેટીયાઓ જનતાના પૈસા ખાઇ જતા હતા. મોદી સરકારમાં ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સહાય સીધી પહોંચે છે.
કોંગ્રેસના શાસનકાળ દરમિયાન દેશની અંદાજે 600 સંસ્થાઓ, યોજનાઓ અને પુરસ્કારો ગાંધી પરિવારના નામે રાખવામાં આવ્યા હતા. 1980માં ઇન્દિરા ગાંધીજીએ બધી રોજગાર યોજનાઓને ભેગી કરીને રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર યોજના નામ આપ્યું. બાદમાં રાજીવ ગાંધીએ તેનું નામ બદલીને જવાહર રોજગાર યોજના કર્યુ. 2004માં યુપીએ સરકારે તેનું નામ બદલીને નરેગા કર્યું, અને ત્યારબાદ 2005માં તેને ફરીથી બદલીને મનરેગા કરવામાં આવ્યું. તો જ્યારે કોંગ્રેસ સરકારે જવાહર રોજગાર યોજનાનું નામ બદલ્યું, ત્યારે શું તે પંડિત જવાહરલાલ નહેરુનું અપમાન હતું?
મૃત્યુ સમયે પણ મહાત્મા ગાંધીજીના મુખે ભગવાન શ્રી રામનું નામ હતું. તેમના મુખેથી છેલ્લો ઉચ્ચારાયેલો શબ્દ હે રામ! હતો. રામનું નામ લેવામાં કોંગ્રેસને હમેંશા સંકોચ અને સમસ્યા રહી છે. રામના નામથી આજની કોંગ્રેસ અને તેમના વડવાઓને તકલીફ છે. તે સમજાતું નથી કે રામનો જન્મ ભારતમાં થયો હતો આ દેશ સનાતન ધર્મમાં માનનારો દેશ છે છતા કોંગ્રેસને રામ નામથી શું વાંધો છે? કોંગ્રેસને ગામનો વિકાસ થાય તો તેમા પણ વાંધો છે. ગામના છેવાડાના વ્યક્તિને કામ મળે તેમા પણ કોંગ્રેસને વાંધો છે એટલે કે ટૂંકમાં કહીએ તો કોંગ્રેસને રામ,ગામ અને કામ આ ત્રણેય શબ્દથી વાંધો છે. કોંગ્રેસે ક્યારેય આઝાદીના 65 વર્ષમાં ગામડાંનો વિકાસ અને રોજગારી મળી રહે તે દિશામાં વિચાર્યુ નથી.
કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફેકટરી રહી છે. કોંગ્રેસ ભ્રષ્ટાચારને બચાવવાનું આંદોલન કરી રહી છે. સંસદમાં જ્યારે VB-G RAM-G પર ચર્ચા થઇ રહી હતી ત્યારે રાહુલ ગાંધી ક્યા હતા? 2004 થી 2014 દરમિયાન મનરેગામાં રૂ.2.5 લાખ કરોડ રૂપિયા વપરાયા જ્યારે 2014 થી 2024 દરમિયાન નરેન્દ્ર મોદીના શાસનમાં મનરેગામાં અંદાજે 8.5 લાખ કરોડ રૂપિયા વપરાયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હમેંશા લોકશાહી માટે મહત્વપુર્ણ સંસ્થાનો અને યોજનાઓને જનસેવા સાથે જોડવાની પરંપરા સ્થાપી છે. ઉદાહરણ તરીકે રાજભવનનું નામ લોકભવન, રાજપથનું કર્તવ્ય પથ, રેસકોર્ષ રોડનું લોકકલ્યાણ માર્ગ, પ્રધાનમંત્રી કાર્યાલયનું સેવાતીર્થ કરવામાં આવ્યું છે.
આ પત્રકાર પરિષદમાં સાંસદ પૂનમબેન માડમ, ભારતીય જનતા પાર્ટી, જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, ભાજપ મીડિયા સેલના ક્ધવીનર ભાર્ગવ ઠાકર (શહેર ભાજપ), નરેન્દ્રસિંહ પરમાર (જિલ્લા ભાજપ) ઉપસ્થિત રહ્યા હતા.


