રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજરોજ જામનગરની મુલાકાતે પધાર્યા છે. ત્યારે જામનગરના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકીએ રામનાથ કોવિંદ સાથેના જુના સ્મરણો વાગોળ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભૂતકાળમાં પણ જામનગરના મહેમાન બની ચૂકયા છે. વર્ષ 2013 દરમિયાન દલિત સેવા સમાજ સમુહ લગ્ન સમિતિ આયોજિત સમુહ લગ્નમાં તેઓ જામનગરના મહેમાન બન્યા હતાં.
જામનગરની મુલાકાતે પધારેલા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભૂતકાળમાં પણ જામનગરના અતિથિ બની ચૂકયા છે. પૂર્વધારાસભ્ય લાલજીભાઇ સોલંકીએ રામનાથ કોવિંદ સાથેના જુના સ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રામનાથ કોવિંદ જવાબદારી સંભાળી રહ્યાં હતાં. તે સમયે લાલજીભાઇ ધારાસભ્ય હતાં અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ મહામંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યાં હતાં. આ દરમિયાન ત્રણ વર્ષમાં રામનાથ કોવિંદ જ્યારે પણ ગુજરાત આવે ત્યારે લાલજીભાઇ સતત તેમની સાથે રહેતાં આ દરમિયાન તેમની સાથે અનેક વખત રાત્રી રોકાણ તથા એરપોર્ટ સુધી તેડવા-મુકવાની જવાબદારી પણ તેમના શીરે રહેતી હતી. આ સંબંધના નાતે વર્ષ 2013માં દલિત સેવા સમાજ સમુહ લગ્ન સમિતિ જામનગર દ્વારા કિલુભાઇ વસંતની વાડીમાં સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ રામનાથ કોવિંદ પધાર્યા હતાં. આ સમયે સમુહ લગ્ન સમિતિના અધ્યક્ષ તરીકે લાલજીભાઇ સોલંકીએ તેમનું સ્વાગત કર્યું હતું. આમ, રામનાથ કોવિંદ અગાઉ પણ જામનગરના મહેમાન બની ચૂકયા છે.
આ ઉપરાંત લાલજીભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, રામનાથ કોવિંદ દંપતિ તથા લાલજીભાઇ સોલંકી દંપતિ સાથે રાજુભાઇ યાદવ દ્વારા દ્વારકા-સોમનાથ પ્રવાસ કર્યો હતો. આ દ્વારકા પ્રવાસમાં ભોજન તથા રહેવાની વ્યવસ્થા મનસુખભાઇ બારાઇ અને નીતાબેન પરમાર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રવાસ સહિતની યાદોનો આલબમ તૈયાર કરવામાં આવ્યો હતો. જે હરિદ્વારા ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કારોબારીમાં તેમને અર્પણ કરાયો હતો.