જામનગર શહેરમાં તા. 19ના રોજ જલારામ જયંતિની ઉજવણી થશે. જલારામ જયંતિ નિમિત્તે રઘુવંશી જ્ઞાતિના સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ તડામાર તૈયારી ચાલી રહી છે. જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ રઘુવંશી જ્ઞાતિનું સમુહ ભોજન સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
છોટીકાશી જેવુ ધર્મપારાયણ ઉપનામ ધરાવતાં જામનગર શહેરના આંગણે જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ છેલ્લા 24 વર્ષથી પ.પૂ. જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત 25માં વર્ષે સમસ્ત લોહાણા સમાજના જ્ઞાતિ સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. સંત શિરોમણી પ.પૂ. જલારામબાપાની જન્મ જયંતિ નિમિત્તે રજત જયંતિ વર્ષની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આજરોજ સાંજે 5 વાગ્યે રઘુવંશી સ્વયંસેવકોનું સન્માન તા. 19ના સવારે 7 વાગ્યે ગૌમાતાના ઘાસ વિતરણ, સવારે 10 વાગ્યે થેલેસેમિયા પરિક્ષણ કેમ્પ, સવારે 10:30 વાગ્યે જલારામ રથ દ્વારા પ્રસાદ વિતરણ, સવારે 10થી 11 સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ સમુહ ભોજન, સવારે 11 વાગ્યે 80 વર્ષથી વધુ ઉંમરના રઘુવંશી વડીલોનું સન્માન તથા બપોરે 12 વાગ્યે લોહાણા જ્ઞાતિ સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમોની ઉજવણીની તડામાર તૈયારી ચાલી રહી છે.
રજત જયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં જલારામ જયંતિ ઉજવણીના લોહાણા જ્ઞાતિ સમુહ ભોજન સહિતના કાર્યક્રમની તૈયારી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના કાર્યકરો જીતુભાઇ લાલ, રમેશભાઇ દત્તાણી, ભરતભાઇ કાનાબાર, મનોજભાઇ અમલાણી, ભરતભાઇ મોદી, અનિલભાઇ ગોકાણી, રાજેશભાઇ કોટેચા, રાજુભાઇ હિંડોચા, રાજુભાઇ મારફતીયા, નિલેશભાઇ છત્રાલ, અતુલભાઇ પોપટ, મતિષભાઇ તન્ના, મધુભાઇ પાબારી સહિતના કાર્યકરો દ્વારા પ્રદર્શન મેદાન ખાતે તૈયારીનું નિરિક્ષણ કર્યું હતું.
આવતીકાલે સુપ્રસિધ્ધ કલાકાર ઓસમાણ મીરના લોક ડાયરાનું આયોજન
જામનગર શહેરમાં સંત શિરોમણી પ.પૂ. જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણીનું આ રજત જયંતિ વર્ષ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે આયોજક શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આવતીકાલ શનિવારે રાત્રે પ્રદર્શન મેદાન પર વિશ્ર્વ પ્રસિધ્ધ કલાકાર ઓસમાણ મીરના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. લોક ડાયરામાં ઉપસ્થિત રહેવા શહેરના સર્વ જલારામ ભક્તોને જલારામ જયંતિ મહોત્સવ વતી જીતુભાઇ લાલ દ્વારા અનુરોધ કરાયો છે.