જામનગર જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ માટે તંત્ર દ્વારા વ્યાપક અને સુવ્યવસ્થિત તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તા. 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી યોજાનારી આ પરીક્ષાઓ માટે જિલ્લામાં કુલ 16 મુખ્ય પરીક્ષા કેન્દ્રો, 101 પરીક્ષા સ્થળો અને 975 બ્લોકમાં આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર પ્રક્રિયા સુચારૂ રીતે પાર પડે તે માટે આશરે 1700 કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 28,538 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેશે.
જામનગર જિલ્લામાં કુલ 16 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. તેમાં ધોરણ 10 માટે 9 કેન્દ્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 5 કેન્દ્રો અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. દરેક કેન્દ્ર પર વહીવટી અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે.
જિલ્લાભરમાં કુલ 101 પરીક્ષા સ્થળોએ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10 માટે 59 સ્થળો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 32 સ્થળો અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 10 સ્થળોનો સમાવેશ થાય છે. દરેક સ્થળે બેઠક વ્યવસ્થા, લાઈટ, પાણી, શૌચાલય સહિતની મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
View this post on Instagram
વિદ્યાર્થીઓને સુવ્યવસ્થિત રીતે બેસાડી શકાય તે માટે જિલ્લામાં કુલ 975 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ધોરણ 10 માટે 577 બ્લોક, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 303 બ્લોક અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 95 બ્લોકનો સમાવેશ થાય છે. દરેક બ્લોકમાં નિયમ મુજબ અંતર જાળવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ વર્ષે જિલ્લામાં કુલ 28,538 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10ના 17,343 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેમાં સંસ્કૃત પ્રથમના 46 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 9,169 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં સંસ્કૃત માધ્યમના 75 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,905 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લામાં આશરે 1700 કર્મચારીઓની ફરજ ફાળવવામાં આવી છે. જેમાં મુખ્ય અધિકારીઓ, પરિક્ષા નિયામકો, સુપરવાઈઝરો, સ્ટાફ તેમજ સુરક્ષા દળનો સમાવેશ થાય છે.
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ખાસ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં પરીક્ષાની તમામ તૈયારીઓની સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા
વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર કડક દેખરેખ, નિયમોનુસાર કામગીરી અને તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
જામનગર શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા સુચિત આયોજનને કારણે બોર્ડ પરીક્ષાઓ સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે યોજાય તેવા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.


