બિહારમાં 5 વર્ષ બાદ નીતીશ કુમાર ફરી એકવાર પક્ષ બદલી શકે છે. જેડીયુના આરસીપી સિંહ પ્રકરણ બાદ મંગળવારે ધારાસભ્યો અને સાંસદોની તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં ભાજપ સાથે ગઠબંધન તોડવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. સાવચેતી પણ રાખવામાં આવી રહી છે. ધારાસભ્યોને મીડિયા સાથે વાત કરવા અથવા મીટિંગમાં ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભાજપ સરકાર બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે કમાન સંભાળી લીધી છે. શાહે સોમવારે મોડી રાત્રે લગભગ 6 મિનિટ સુધી નીતિશ કુમાર સાથે વાતચીત કરી હતી. વાતચીતમાં શું થયું તે હજુ જાણવા મળ્યું નથી. આરજેડીએ રાબડીના નિવાસસ્થાને તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. તેજસ્વી યાદવ બેઠકમાં તાજેતરની સ્થિતિ અંગે ધારાસભ્યોની સલાહ લેશે. કોંગ્રેસે પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝાના ઘરે બપોરે 1 વાગ્યે તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. કોંગ્રેસે જેડીયુને શરતી સમર્થન જાહેર કર્યું છે. જીતનરામ માંઝીએ પોતાની પાર્ટી હમની બેઠક પણ બોલાવી છે. તમામ ધારાસભ્યોને બેઠકમાં આવવા માટે કહેવામાં આવ્યું છે. રાબડી નિવાસસ્થાને બેઠકમાં પહોંચેલા ધારાસભ્યોના ફોન બહાર મુકવામાં આવી રહ્યા છે.
શાસક પક્ષ જેડીયુએ પોતાના ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે. પટનાના મુખ્યપ્રધાનના નિવાસસ્થાને તમામ ધારાસભ્યો અને સાંસદોને બોલાવવામાં આવ્યા છે. પ્રથમ રાઉન્ડમાં જેડીયુના તમામ 16 સાંસદો સાથે સીએમ નીતિશ કુમાર એક બેઠક યોજશે, જેમાં દિલ્હીમાં પાર્ટીની રાજનીતિમાં કેટલાંક ફેરફારો કરવામાં આવશે, તેની ચર્ચા કરવામાં આવશે.
બેઠકનો બીજો રાઉન્ડ ફક્ત ધારાસભ્યો સાથે રહેશે. આ બેઠકમાં બિહારની વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. સીએમ આ બેઠકમાં નક્કી કરશે કે તેઓ એનડીએમાં રહેશે કે નહીં. આ બેઠકમાં સંગઠનના કેટલાક વરિષ્ઠ નેતાઓને પણ બોલાવવામાં આવ્યા છે.
આ બેઠકમાં જો એનડીએમાં ન હોવાની વાત થશે તો આગામી સરકાર કોની સાથે બનાવવી તે નક્કી કરવામાં આવશે.
હવે તમામ ધારાસભ્યોને આગામી 72 કલાક સુધી પટનામાં જ રહેવાની સૂચના આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો નીતીશ કુમાર બિહારમાં એનડીએ ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય કરે છે તો ભાજપના ક્વોટાના તમામ મંત્રીઓ કેબિનેટમાંથી બરતરફ કરવામાં આવશે.