ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા આઠ મહાનગરોમાં સ્થગિત કરવામાં આવી છે. 30 માર્ચથી લેવાનારી પરીક્ષા કોરોનાને લીધે સ્થગિત રાખવામા આવી છે જ્યારે આઠ મહાનગરો સિવાયના શહેરો અને નગરોમાં રાબેતા મુજબ લેવાશે. બોર્ડ દ્વારા આઠ મહાનગરોના જે કેન્દ્રોમાં પરીક્ષા સ્થગિત કરવામા આવી છે ત્યાંના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પાછળથી જાહેર કરવામા આવશે.
ગુજરાતમા કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા અમદવાદ સહિતના આઠ મહાનગરોમાં 19 માર્ચથી 10 એપ્રિલ સુધી સ્કૂલો-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવાયુ છે અને પરીક્ષાઓ પણ મોકુફ કરી દેવાઈ છે તેમજ જરૂરી પરીક્ષાઓ ઓનલાઈન લેવાનો આદેશ કરવામા આવ્યો છે.
જેને પગલે 30મી માર્ચથી શરૂ થનારી બોર્ડની 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા પણ સ્થગિત કરી દેવાઈ છે. પ્રેક્ટિકલ પરીક્ષા થીયરીની જેમ ઓનલાઈન લઈ શકાય તેમ નથી અને આ 12 સાયન્સની બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા છે જેના માર્કસ ફાઈનલ પરિણામમાં ઉમેરાવાના હોવાથી આ પરીક્ષા ઓફલાઈન ધોરણે જ નિરીક્ષકોની હાજરીમા જ લેવી પડે તેમ છે.
જેને પગલે અમદાવાદ, સુરત , વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર , ગાંધીનગર અને જુનાગઢ સહિતના આઠ મહાનગરો કે જયાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવાયુ છે ત્યાંના કેન્દ્રોમાં 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા સ્થગિત કરી દેવાઈ છે. જ્યારે બાકીના તમામ શહેરો-નગરોના કેન્દ્રોમાં રાબેતા મુજબ 30 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન બોર્ડના નિયમો મુજબ જ પરીક્ષકોના સુપરવિઝનમાં પરીક્ષા લેવાશે. જે કેન્દ્રોની પરીક્ષા સ્થગિત થઈ છે તે કેન્દ્રોની અને પેટા કેન્દ્રોની યાદી બોર્ડની વેબસાઈટ પર મુકવામા આવી છે.
મહત્વનું છે કે બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા માટે સુપરવાઈઝરોની નિમણૂંકોથી માંડી વિદ્યાર્થીઓની હોલ ટીકિટ સહિતની તમામ તૈયારીઓ કરી દેવાઈ હતી ત્યારે કોરોનાને લીધે પરીક્ષા સ્થગિત થતા બોર્ડના અધિકારીઓ અને વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડશે.