આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હિમાચલ પ્રદેશના સિમલા ખાતેથી ગરીબ કલ્યાણ સંમેલન અંતર્ગત લાભાર્થીઓ સાથે ઓનલાઇન માધ્યમથી સંવાદ યોજયો હતો. જેમાં વડાપ્રધાનએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમજ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળના દેશના કુલ 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોના ખાતામાં આજે 11માં હપ્તાની 21 હજાર કરોડથી વધુની રકમ જમા કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ સંમેલન ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ જોડાયા હતા.
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે અધ્યક્ષસ્થાનેથી કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે, આજના આ ગરીબકલ્યાણ સમેલનનો મુખ્ય ઉદ્દેશ છેવાડા નાગરિકોને સરકારની યોજનાનો લાભ મળે. વડાપ્રધાન નરેન્દ્રભાઇની કેન્દ્રમાં રહેલી સરકારને 8 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલી અનેક યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવી રહયો છે. દેશમાં નરેન્દ્ર ભાઇ મોદીની સરકાર આવ્યા બાદ છેવાડાના લોકોને પણ અનેક લાભ આપતી યોજનાઓ અમલમાં મુકાઈ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), ઉજ્જ્વલા યોજના, કિસાન સમ્માન યોજના, આયુષ્યમાન કાર્ડ સહિતની અનેક યોજનાઓ સમાવિષ્ટ છે. 8 વર્ષમાં આ યોજનાઓ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પણ અનેરો વિકાસ થયો છે.
વધુમાં ઉપાધ્યક્ષએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પારદર્શક વહીવટ કરી રહી છે. અને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની તમામ યોજનાઓના લાભ છેવાડાના માનવીને મળી રહે તે રીતના કાર્ય કરવા માટે કટિબદ્ધ છે. અને આગળ પણ વિકાસના કર્યો સતત થતા રહેશે. વધુમાં કહ્યું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડાના નાગરિક સુધી પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી પહોંચાડવા, અને લોકોને તેમનો લાભ વ્યવસ્થિત રીતના મળી રહે તે માટે જિલ્લાનું વહીવટ તંત્ર ખુબજ સારી કામગીરી કરી રહ્યું છે. ઉપાધ્યક્ષએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના લાભાર્થી સવિતાબેન વ્યાસે જણાવ્યું કે, તેઓ જામખંભાળિયાના વોર્ડ નં. 5 ના ઝવેરી વિસ્તાર બાજુ એક કાચા મકાનમાં રહે છે. અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ની જાણકારી મળ્યા બાદ તેમાં નોંધણી કરાવતા પાકુ મકાન બનાવવા માટે સરકાર તરફથી રૂ.3.50 લાખની સહાય મળી છે. આ સહાયની મદદથી પાકું ઘર બનાવવાનું સ્વપન સાકાર થશે. જેનો મને ઘણો જ આનંદ છે. આજના દિવસે હું વડાપ્રધાનનો આભાર માનું છું.
કલેકટર એમ.એ.પંડ્યાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, આજનો આ સુંદર પ્રસંગ જનકલ્યાણની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી શકાય તે માટે યોજાઈ રહ્યો છે. વડાપ્રધાનની ઈચ્છા છે કે દેશના છેવાડાના માનવીને પણ સમાન રીતે જીવવાનો હક મળે તે હેતુથી જરૂરિયાતમંદ લોકોને સામેથી શોધીને સરકારની યોજનાઓનો લાભ આપવામાં આવે. અને આ યોજનાઓનો લાભ મેળવી રહેલા લાભાર્થીઓને કોઈ તકલીફ તો નથી પડી રહીને તે જાણવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વનિધિ યોજનાના લાભાર્થી વિજયભાઈ પુરોહિતે જણાવ્યું કે, કોરોના કાળ બાદથી વ્યવસાય પડી ભાંગ્યો હતો. પરંતુ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાએ મારા વ્યવસાયને ફરી પાટે ચડાવી દીધો છે. નગરપાલિકામાંથી લોન મેળવી મેં ગોલાની રેકડી શરૂ કરી છે. હાલમાં હું અને મારો પરિવાર આર્થિક સંકળામણની સ્થિતિમાંથી બહાર આવ્યા છીએ.
કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી પ્રફુલભાઈ ગોરફાડે યોજનાના મળેલા લાભ વિશે કહ્યું કે, હાલમાં હું ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. ક્યારેક એવું બનતું કે, રૂપિયા ના હોવાના કારણે સમયસર વાવણી થઈ શકતી નહિ. પરંતુ જ્યારથી કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારથી સમયસર બિયારણ લઈ શકું છું. અને સમયસર પાક પણ ઉગાડી શકું છું. કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ મને રૂ. 2000નો હપ્તો સમયસર મળી રહે છે એ પણ કોઈ કચેરીએ ધકા ખાધા વગર સીધા જ મારા બેન્ક ખાતામાં જમા થઈ જાય છે. જેના કારણે મને ઘણી રાહત રહે છે. વડાપ્રધાનની આ યોજના ખૂબ જ ઉપયોગી થઈ રહી છે.
અંતમાં જિલ્લા વિકાસ અધિકારીએ કાર્યક્રમમાં જોડાનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓનો તમામ લોકો લાભ લ્યે તેમ અનુરોધ છે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઇ કણજારીયા, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ નકુમ, ભાજપ અગ્રણી વી.ડી.મોરી, જીતેન્દ્રભાઈ કણજારીયા, પ્રતાપભાઈ પિંડારિયા, ઇન્ચાર્જ અધિક કલેકટર ભાવેશ ખેર, ખંભાળીયા પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા સહિતના અગ્રણીઓ, અધિકારીઓ જોડાયા હતા.