વિશ્વ વિખ્યાત તીર્થસ્થાન દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા વિસ્તારના કેટલાક વિસ્તારોમાં સરકારી જમીન ઉપર વ્યાપક દબાણો થયા હોવાની બાબતના અનુસંધાને અહીંના પોલીસ તંત્ર સહિતના સરકારી તંત્ર દ્વારા લાંબી પ્રક્રિયા બાદ આજરોજ સવારથી ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આ માટે નસ્ત્રચકલું ન ફરકી શકેસ્ત્રસ્ત્ર તેવી પોલીસની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સમગ્ર કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર પંથકમાં અતિ ચર્ચાસ્પદ અને ઉત્તેજનાસભર બની ગયેલા આ પ્રકરણની બિન આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભારતના છેવાડાના વિસ્તાર એવા બેટ દ્વારકામાં કેટલાક સ્થળોએ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ ખડકી દેવામાં આવ્યા છે. જેના અનુસંધાને આ વિસ્તારની આંતરિક તથા દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આજરોજ સવારથી આવા દબાણ હટાવવા માટેનું ઓપરેશન ડિમોલીશન શરૂ કરવામાં આવ્યું છે.
રાજકોટ રેન્જ આઈ.જી.ના વડપણ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ માટે છેલ્લા કેટલાક દિવસ થયા ઊંડાણપૂર્વકનો અભ્યાસ તથા જરૂરી કામગીરી કરી, આજરોજ સવારથી બેટ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ પૂર્વે ગત સાંજથી જ સમગ્ર વિસ્તારમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, સહિતનો વિશાળ પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો.
આજે વહેલી સવારથી અહીં જિલ્લાના બંને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, મામલતદાર, ગુજરાત મેરી ટાઈમ બોર્ડ, પીજીવીસીએલ, સર્કલ અધિકારી, રેવન્યુ અધિકારી, ઉપરાંત સ્થાનિક નગરપાલિકાના સ્ટાફને બેટ દ્વારકામાં ફરજ સોંપી દેવામાં આવી હતી અને અગાઉ આપવામાં આવેલી નોટિસ મુજબ સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલા વંડા તથા દુકાનો પર ખાસ મશીનો વડે ડિમોલિશન અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઓપરેશન મેગા ડિમોલિશન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આશરે 1000 જેટલા પોલીસ સ્ટાફને અશ્રુ સેલ, હથિયાર તથા લાકડી સાથે સુરક્ષા બંદોબસ્ત પર ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈમરજન્સી સિવાય ફેરીબોટ સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી હોવા ઉપરાંત સ્થાનિક લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે.
જિલ્લા પોલીસ દ્વારા આ સમગ્ર કામગીરી અતિગુપ્તતા તેમજ સાવચેતીપૂર્વક હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત બિન સત્તાવાર રીતે જાણવા મળતી વિગત મુજબ કેટલાક શખ્સો સામે અટકાયતી પગલાં પણ હાથ ધરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
આ સ્થળે સાવચેતી માટે પત્રકારોને પણ જવા દેવા સામે હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે. આ સમગ્ર બાબત અંગે સાંજ સુધીમાં પોલીસ તંત્ર દ્વારા તમામ માહિતી આપવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે. બેટ દ્વારકામાં વ્યાપક પ્રમાણમાં દબાણ હોય, આ કામગીરી લાંબો સમય સુધી ચાલનાર રોવાનું પણ કહેવાય છે.
આમ, નાના એવા પરંતુ ઐતિહાસિક મહત્વ ધરાવતા બેટ દ્વારકામાં તંત્રની આ સધન કામગીરીએ ભારે ચર્ચા જગાવી છે. આ પ્રકરણમાં હવે શું થશે તે જાણવા પણ ઉત્તેજનાસભર રીતે લોકોની મીટ મનાઈ રહી છે.