ખંભાળિયા રાત્રિના સમયે પોલીસે જૂગારધામ ઉપર દરોડો પાડી, પોલીસે સસ્પેન્ડેડ પોલીસ દ્વારા ચલાવતા જુગાર પર દરોડો પાડયો હતો. જેમાં બે મહિલાઓ સહિત કુલ સાત ખેલાડીઓ 1.75 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર કરેલી વિગત મુજબ ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા રાત્રિના અઢી વાગ્યે ચોક્કસ બાતમીના આધારે અહીંના શ્રીજી સાનિધ્ય સોસાયટીની પાછળના ભાગે પિયુષ રસિકલાલ બગડાઈ નામના એક આસમીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ઉપરોક્ત શખ્સ દ્વારા પોતાના કબજા- ભોગવટાના રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે જુગાર રમવાના સાધનો પૂરા પાડી, તેના બદલામાં ચોક્કસ રકમ ઉઘરાવી અને ગંજીપત્તા વડે રમતા જુગારમાં પોલીસે માંઝા ગામના સુરા રાજા કારીયા, દેવા ખીમા જામ, કરણસિંહ અજીતસિંહ વાઘેલા, પ્રવીણ સવજીભાઈ નકુમ, મેમુનાબેન મહંમદ ઉમરભાઈ રુંજા અને રંજનબા અજીતસિંહ વાઘજીભીને ઝડપી લીધા હતા.
પકડાયેલા આ પતાપ્રેમીઓ પાસેથી પોલીસે કુલ 53,700 ની રોકડ રકમ તથા રૂપિયા 11 હજારની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન તથા રૂા. 1.10 લાખની કિંમતની ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂા.1,74,700 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ 4-5 મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ જેના મકાનમાં જુગાર દરોડો પાડવામાં આવ્યો હતો, તે પિયુષ બગડાઈ એએસઆઈ તરીકે અગાઉ ફરજ બજાવતા હતા અને થોડા સમય પૂર્વે ચોક્કસ કારણોસર જિલ્લા પોલીસ વડા દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ખંભાળિયામાં સસ્પેન્ડેડ પોલીસ દ્વારા ચાલતા જૂગાર પર પોલીસ ત્રાટકી
બે મહિલાઓ સહિત સાત ઝબ્બે : કુલ રૂા. 1.75 લાખનો મુદ્દામાલ કબજે