દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં સલાયા મરીન પોલીસે ગત રાત્રીના સમયે ધમધમતા જુગારના અડ્ડા પર દરોડો પાડી, રૂપિયા પોણો લાખના મુદ્દામાલ સાથે સાત શખ્સોને દબોચી લીધા હતા.
આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા મરીન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અક્ષય પટેલ તથા સ્ટાફ દ્વારા ગત રાત્રીના સમયે હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન પી.આઈ. અક્ષય પટેલ તથા હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા અને પીઠાભાઈ જોગલને મળેલી બાતમીના આધારે સલાયા નજીક આવેલા દખણાદા બારા ગામના વાડી વિસ્તાર ખાતે રહેતા જયેન્દ્રસિંહ દેવીસંગ જાડેજા (ઉ.વ. 34) નામના શખ્સની વાડી ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. ઉપરોક્ત શખ્સ દ્વારા પોતાની વાડીએ બહારથી માણસો બોલાવી અને જુગાર રમવા માટેના સાધનો પુરા પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડામાંથી પોલીસે જયેન્દ્રસિંહ દેવીસંગ સાથે બળદેવસિંહ રવુભા જાડેજા, અનોપસિંહ માડમજી જેઠવા, રઘુવીરસિંહ દિલુભા જેઠવા, નારણજી માડમજી જેઠવા, વિજયસિંહ લખુભા જેઠવા અને ભરતસિંહ રવુભા જાડેજા નામના કુલ સાત શખ્સોને ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા. 52,160 રોકડા અને રૂા. 22 હજારની કિંમતના છ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂા. 74,160 નો મુદ્દામાલ કબજે કરી, આ શખ્સો સામે સલાયા મરીન પોલીસ મથકમાં જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. અક્ષય પટેલ, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, પીઠાભાઈ જોગલ તથા વિપુલભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.