દ્વારકા નજીકના દરિયા કિનારેથી શુક્રવારે મોડી રાત્રીના સમયે બિનવારસુ હાલતમાં મળી આવેલા રૂપિયા 16 કિલોથી વધુની કિંમત ધરાવતા 32 કિલો જેટલા ઉચ્ચ ક્વોલિટીના ચરસના જથ્થા સંદર્ભે જિલ્લા પોલીસ વડાના વડપણ હેઠળ સધન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ અંગેની વિગતો આપતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયએ રવિવારે જણાવ્યું હતું કે દ્વારકા તાબેના વરવાળા નજીકના દરિયાકાંઠા વિસ્તારમાંથી શુક્રવારે મોડી રાત્રીના સમયે દ્વારકા પોલીસ તેમજ એસઓજી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ત્રણ બાચકામાં છુપાવીને રાખવામાં આવેલા 30 પ્લાસ્ટિકના પેકેટમાંથી મળી આવેલા પદાર્થ સંદર્ભેની ખરાઈ કરવા માટે એફ.એસ.એલ. વિભાગના નિષ્ણાતોની સેવા લેવામાં આવી હતી. જેના વેરીફીકેશન અને સાયન્ટિફિક તપાસના અંતે આ પદાર્થ ડાર્ક બ્રાઉન ડ્રગ્સ (ચરસ) હોવાનું ખુલવા પામ્યું હતું. આ પ્લાસ્ટિકના પેકેટ ઉપર અંગ્રેજી અને ફારસી ભાષામાં કેટલું લખાણ લખવામાં આવ્યું હતું. જેમાં આ નશાકારક તત્વ હાઈ ક્વોલિટી પ્રોડક્ટનો ચરસ હોવાનું પોલીસે જણાવ્યું હતું. જેને લઈને છેલ્લા બે દિવસથી સ્થાનિક પોલીસ તેમજ ખાસ એજન્સીઓ દ્વારા સધન કોમ્બિંગ તથા તપાસ હાથ ધરવામાં આવી છે.
દ્વારકા પોલીસ મથકમાં શનિવારે નોંધાયેલા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના આ ગુના સંદર્ભે તપાસનીસ અધિકારી મીઠાપુરના પી.એસ.આઈ. એન.એચ. જોશીએ જણાવ્યું હતું કે ઝડપાયેલા આ ચરસ સંદર્ભેની તપાસમાં અહીંના દરિયા કાંઠે ચરસનો આ જથ્થો કઈ રીતે પહોંચ્યો તેમજ આ પ્રકરણમાં સ્થાનિક કે બહારના શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે સહિતના મુદ્દે સ્થાનિકોની પૂછપરછ સહિત ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે.
ત્યારે વધુ એક વખત દ્વારકાના દરિયા કિનારેથી ઝડપાયેલા આ નશાકારક જથ્થા સંદર્ભે ભારે ચર્ચા મચી જવા પામી છે.