જામનગર શહેર અને જિલ્લામાં ગુમ થયેલી વ્યકિતઓની ઝુંબેશ અંતર્ગત લાલપુર બાયપાસ ચોકડી પાસેથી મળી આવેલા દિવ્યાંગ યુવાનને પંચ બી પોલીસ સ્ટેશને લઇ આવી તેના પરિવારજનોને સોંપી આપ્યો હતો.
મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાંથી ગુમ થયેલી વ્યક્તિઓની શોધખોળ માટે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ હેકો હરદેવસિંહ જાડેજા અને સુમિત શિયાર નામના પોલીસકર્મી પેટ્રોલિંગ દરમિયાન લાલપુર બાયપાસ ચોકડી નજીક સોમનાથ હોટલ પાસેથી દિવ્યાંગ યુવાન મળી આવતા તેને પોલીસ સ્ટેશને લઇ આવ્યા હતાં. જ્યાં યુવાનનો સામાન તપાસતા જેમાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેના આધારે યુવાન દાહોદ જિલ્લાના સુરપુર ગામમાં રહેતો નરશીભાઇ રમેશભાઇ રાઠોડ હોવાની ઓળખ થઈ હતી. જેના આધારે પોલીસે યુવાનના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને દાહોદથી યુવાનના કાકા તેરસીંગભાઇ પારસીંગભાઈ રાઠોડએ જામનગર આવી જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતાં. જેના આધારે પીએસઆઈ એમ.એ.મોરી, એએસઆઈ મહિપાલસિંહ જાડેજા તથા હેકો નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા તથા પો.કો. સુમિતભાઈ શિયાર, મયુરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, અજય મકવાણા સહિતના સ્ટાફે યુવાનને તેના કાકા સાથે મિલન કરાવ્યું હતું. ત્યારબાદ તેઓ તેમના વતન જવા રવાના થયા હતાં.