જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં રહેતા બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન 4500 ની કિંમતની 9 બોટલ દારૂ અને 5 લાખના ટ્રક સાથે ઝડપી લીધા હતાં. કાલાવડ તાલુકાના દૂરદાદર ગામ નજીકથી કારમાં પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.4000 ની કિંમતની દારૂની આઠ બોટલ અને કાર મળી કુલ રૂા.3.04 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ધ્રોલ ગામમાં ખારવા રોડ પરથી પોલીસે કોમ્પ્યુટરની ઓફિસમાંથી 5000 ની કિંમતની દારૂની સાત બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાંથી પસાર થતા ટ્રકને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.4500 ની કિંમતની દારૂની 9 બોટલો મળી આવતા પંચ એ પોલીસે પ્રવિણ મગા ચાવડિયા અને અક્રમ રહીમ ભેગાણી નામના બે ચાલકોની અટકાયત કરી પાંચ લાખની કિંમતનો ટ્રક અને દારૂની બોટલો સહિત રૂા.5,04,500 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, કાલાવડ તાલુકાના દુરદાદર ગામ તરફ જવાના માર્ગ પરથી પોલીસે પસાર થતી જીજે-03-કેસી-4702 નંબરની કારને આંતરીને તલાસી લેતા લલિત ખેમચંદ ભાટીયા નામના જૂનાગઢના શખ્સના કબ્જામાંથી રૂા.4000 ની કિંમતની દારૂની 8 બોટલો મળી આવતા પોલીસે ધરપકડ કરી રૂા.3,04,000ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, ધ્રોલ ગામમાં ખારવા રોડ પરથી પોલીસે મહાદેવ કોમ્પ્યુટરની ઓફિસમાંથી રેઈડ દરમિયાન દર્શિત દિપક વઘેરા નામના શખ્સને રૂા.5000 ની કિંમતની દારૂની સાત બોટલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો જામનગરના શંકરટેકરીમાં રહેતા સંજય બાઠીયાએ સપ્લાય કર્યો હોવાની કેફિયત આપતા પોલીસે સંજય બાઠીયાની શોધખોળ આરંભી હતી.
ચોથો દરોડો, ધ્રોલમાં ગોકુલ-1 વિસ્તારમાં રહેતા જલદીપ ઉર્ફે જયદીપ જેન્તીલાલ સુતરીયા નામના શખ્સના મકાનમાંથી તલાસી લેતા રૂા.6000 ની કિંમતની દારૂની છ બોટલો મળી આવતા ધ્રોલ પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી જલદીપની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો સંજય બાઠીયાએ આપ્યો હોવાની કેફિયત આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.