જામનગર શહેરના ખોડિયાર કોલોની મેઈન રોડ પર આવેલી ફાયનાન્સની ઓફિસમાં બાંગ્લાદેશ પ્રીમીયર લીગના મેચ ઉપર હારજીતનો જુગાર રમાતા સ્થળે સિટી સી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન રૂા.3.70 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની મેઈન રોડ પર આવેલા આશાપુરા કોમ્પલેક્ષમાં ક્રિષ્ના ફાયનાન્સ નામની ઓફિસમાં બાંગ્લાદેશ પ્રીમીયર લીગના મેચ ઉપર જૂગાર રમાડાતો હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આઈ એ ધાસુરા, પીએસઆઇ વી. બી. બરસબીયા, હેકો યશપાલસિંહ જાડેજા, ખીમશીભા ડાંગર, ફૈઝલભાઈ ચાવડા, પ્રદિપસિંહ જાડેજા, પો.કો. હોમદેવસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ તથા હર્ષદભાઈ પરમાર, મયુરસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ક્રિષ્ના ફાયનાન્સના ચિરાગ સુરેશ આહિર અને રવિ નવીન ગૌરી, સીકંદર ઈસ્માઇલ દલવાણી નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં.
પોલીસે રેઈડ દરમિયાન ત્રણ શખ્સો બાંગ્લાદેશ પ્રીમીયર લીગના મેચ ઉપર મોબાલ ફોન પર લાઈવ સ્કોર નિહાળી ગ્રાહકોની મેચના સેશન તથા હારજીતના સોદાઓ કરી જૂગારનો અખાડો ચલાવતા સ્થળેથી રૂા.3,50,000 ની કિંમતના ચાર મોબાઇલ ફોન અને રૂા.20000 ની રોકડ રકમ મળી કુલ રૂા.3,70,000 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ જૂગાર દરોડામાં મહેન્દ્રસિંહનું નામ ખુલતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


