દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ દ્વારકા પોલીસ દ્વારા દારૂ, જુગાર સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકાના પી.આઈ. આકાશ બારસિયાના માર્ગદર્શન હેઠળ ગતરાત્રે સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, રાણાભાઈ વાઘેલા, ઇન્દ્રસિંહ જાડેજા અને શક્તિસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકા નજીકના કુરંગા ગામના વાડી વિસ્તારમાં રહેતા મિયાજરભા દેવાણંદભા ચામડિયા (રહે. નરસંગ ટેકરી) નામના 52 વર્ષના શખ્સ દ્વારા ભાડાના મકાનમાં રમાડતા જુગાર પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સ્થળેથી પોલીસે મિયાઝરભા ચમડીયા સાથે કાનાભા હાજાભા માણેક, સાગર ઘુઘાભા માણેક, રઘુવીરસિંહ સુરેન્દ્રસિંહ કેર, પત્રામલભા પાલાભા માણેક, સનાભા અજાભા માણેક, કાના તેજા માતકા, અને દેવાત મેપા વિકમા નામના આઠ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. આ દરોડા દરમ્યાન પોલીસે રૂપિયા 2,00,600 ની રોકડ રકમ તથા રૂ. 30,000 ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 2,30,600 નો મુદ્દામાલ કબજે કરી, આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.


