ખંભાળિયા શહેર નજીકના શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા ગઈકાલે બુધવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફના યોગરાજસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા અને હેમતભાઈ નંદાણીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે શક્તિનગરમાં આવેલા વાછરાડાડાના મંદિર પાછળ રહેતા કરસન બહાદુર કાપડી નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ચલાવતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સ્થળેથી પોલીસે જુગારના અલગ અલગ બે ફીલ્ડમાંથી કરસન બહાદુર કાપડી, લાલા ભુપત કાપડી, માલદે બહાદુર કાપડી, બચુ પાલા કાપડી, રમેશ રજાક કાપડી, મયુર બાબુ રાઠોડ અને દેવા બચુ પરમાર નામના સાત શખ્સોને દબોચી લીધા હતા.
આ કાર્યવાહીમાં પોલીસે પ્રથમ ફિલ્ડમાંથી રૂ. 12,400 રોકડા તેમજ ₹ 15,000 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન જ્યારે અન્ય ફિલ્ડમાંથી રૂ. 10,950 રોકડા અને રૂ. 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 43,350નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ હેઠળ આગળની કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. બી.જે. સરવૈયા, પી.એસ.આઈ. યુ.કે. મકવા, હેમતભાઈ નંદાણિયા, સામતભાઈ ગઢવી, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા અને અરજણભાઈ આંબલિયા દ્વારા કરવામાં આવી હતી.


