કલ્યાણપુર નજીકના મહાદેવિયા ગામ પાસે એક હોટેલ સંચાલક સાથે થયેલી બોલાચાલી બાદ તેમના પર જીવલેણ હુમલો કરવા આવેલા 10 શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના મહાદેવિયા ગામે રહેતા અને હોટેલનો વ્યવસાય કરતા સામતભાઈ ધાનાભાઈ કરંગીયા નામના 45 વર્ષના આહિર યુવાન ગત તારીખ 26 ના રોજ રાત્રિના સમયે ચોકી વારી વિસ્તારમાં આવેલી તેમની હોટલે આવી રહ્યા હતા ત્યારે મહાદેવિયા ગામના વેજા કરંગીયાએ તેમને ફોન કરી અને ગાળો કાઢી હતી. જેથી મોટરકારમાં આવતી વખતે માર્ગ પર આરોપીઓ વેજા માંડા કરંગીયા, રામશી મુરુ કરંગીયા, પબુ આલા કરંગીયા, સાજણ કરસન કરંગીયા, રામદે મસરી કરંગીયા, માંડા હમીર કરંગીયા, આલા કરસન કરંગીયા, હેમત આલા કરંગીયા, દેવા કારા કરંગીયા અને ગોવા કારા કરંગીયા નામના કુલ 10 શખ્સો દ્વારા તેની સાથે બોલાચાલી કરી તેમને બિભત્સ ગાળો કાઢી હતી.
આરોપીઓ દ્વારા ફરિયાદી સામતભાઈની રેકી કરી અને જીવલેણ હુમલો કરવાની તજવીજ કરવામાં આવતા આ અંગે સામતભાઈ દ્વારા કલ્યાણપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ તથા કે.પી. ઝાલાની ટીમ દ્વારા તાકીદે આ સ્થળે દોડી જઈ અને આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી હતી.
આ અંગે કલ્યાણપુર પોલીસે તમામ 10 આરોપીઓ સામે આઈપીસી કલમ 143, 144, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, અહીંના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.