જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં ગઇકાલે પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ ચાની હોટેલો, પાનના ગલ્લા, નોનવેજની લારીઓ સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરી અસામાજિક તત્ત્વો વિરૂઘ્ધ પણ કાર્યવાહી હાથ ધરતાં વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.
બકરી ઇદનો તહેવાર આવી રહ્યો હોય, જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી સિટી ‘એ’ ડિવિઝનના પીઆઇ એન. એ. ચાવડા, દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઇ ડી. જી. રામાનુજ તથા સ્ટાફ દ્વારા જામનગર શહેરમાં દરબારગઢ બહારના પાંચ હાટડી, પટ્ટણીવાડ, મોટાપીર ચોક સહિતના વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષા સલામતિની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
આ ફુટ પેટ્રોલિંગની સાથે સાથે પાનના ગલ્લા, ચાની હોટેલો, નોનવેજની લારીઓ-દુકાનો સહિતના સ્થળોએ પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અહીં અડ્ડો જમાવી બેસેલા અસામાજિક તત્ત્વો વિરૂઘ્ધ પણ કાર્યવાહી કરતાં વાહનો ડિટેઇન કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી.


