ધ્રોલ ગામમાં બે દિવસ પૂર્વે ખારવા ચોકડી પાસે પેસેન્જર ભરવા બાબતે આધેડ ઉપર કરાયેલા હુમલાના બનાવમાં સામી ફરિયાદ નોંધાઇ છે. જેમાં આધેડ સહિતના ત્રણ શખ્સોએ પેસેન્જર ભરવા બાબતે માથાકૂટ કરી લોખંડનો પાઈપ વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં બે દિવસ પહેલાં ખારવા ચોકડી પાસે ટ્રાવેલ્સના ધંધાર્થી વિશુભા નામના આધેડ ઉપર પેસેન્જર ભરવા બાબતે થયેલી માથાકૂટમાં હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. દરમિયાન સામાપક્ષે આશાપુરા ટ્રાવેલ્સના સંચાલક સહદેવસિંહ ઉર્ફે સંજયસિંહ બળવંતસિંહ જાડેજા નામના યુવાન તેની ઓફિસે પેસેન્જર ભરતા હતાં તે દરમિયાન વિશુભા, રાજભા જાડેજા અને અરવિંદસિંહ જાડેજા નામના શખ્સોએ આવીને સહદેવસિંહ સાથે બોલાચાલી કરી અપશબ્દ બોલી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો.જ્યારે વિશુભા એ પાછળથી ગરદન પકડી રાખી હતી અને અરવિંદસિંહે પછાડી દઇ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં પીએસઆઈ પી.જી.પનારા તથા સ્ટાફે વિશુભાની ફરિયાદની સામે ગુરૂવારે સહદેવસિંહ જાડેજાની સામી ફરિયાદ નોંધી હતી. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.