જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા વિસ્તારમાં રહેતા વેપારી યુવાને વ્યાજે લીધેલી રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં પણ વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરી સહીવાળો કોરો ચેક બળજબરીપૂર્વક કઢાવી લઇ નેગોશિયેબલ એકટ હેઠળ કેસ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર પવનચકકી નજીક રહેતાં સચિન પ્રવિણભાઈ નંદા નામના વેપારી યુવાને નાનકપુરીમાં રહેતાં મોહિત સુભાષ નંદા પાસેથી એક વર્ષ પહેલાં રૂા. 2,25,000 ની રકમ 0.5 ટકાના વ્યાજે ધંધાના વિકાસ માટે લીધા હતાં. આ રકમ વેપારીએ વ્યાજ સહિત રૂા.2,40,000 ચૂકવી દીધા હોવા છતાં મોહિતે વેપારી પાસેથી વધુ રકમ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગાળો બોલી પતાવી દેવાની ધમકી આપી બળજબરીપૂર્વક વેપારીની સહિવાળો કોરો ચેક લઇ તેમાં રૂા.5,65,000 ની રકમ ભરી ચેક રિટર્ન થતા નેગોશિયેબલ એકટ હેઠળ કેસ કર્યો હોવાથી સચિને કરેલી જાણના આધારે પીએસઆઈ ટી બી બુડાસણા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.