જામનગર શહેરમાં આંબેડકરધામ વિસ્તારમાં રહેતા ડ્રાઈવીંગ કરતા યુવાને વ્યાજે લીધેલા દોઢ લાખના રૂા. 3.67 લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરે વધુ દોઢ લાખની માંગણી કરી પઠાણી કર્યાનો બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. લાલપુરમાં યુવાને વ્યાજ સહિત મુળ રકમ ચૂકવી દીધા છતાં વ્યાજખોર દ્વારા ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
જામનગર જિલ્લામાં વધુ બે વ્યાજખોરો વિરૂધ્ધ થયેલી પોલીસ ફરિયાદની વિગતમાં પ્રથમ બનાવ જામનગર શહેરના આંબેડકરધામમાં રહેતાં અને ડ્રાઈવીંગ કરતા નવલસિંહ સરદારસિંહ પરમાર (ઉ.વ.44) નામના યુવાને ધંધામાં નુકસાની જવાથી ઈન્દ્રજીતસિંહ રામદેવસિંહ જાડેજા પાસેથી દોઢ લાખ રૂપિયા સાત ટકા વ્યાજે લીધા હતાં અને આ રકમ કટકે-કટકે વ્યાજ સહિત રૂા.3,67,000 ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે વધુ દોઢ લાખની માંગણી કરી હતી અને રૂપિયા નહીં આપે તો માર ખાઈશ તેમ કહી પઠાણી ઉઘરાણી કરી હતી અને યુવાનનો કોરા ચેકમાં મોટી રકમ ભરીને રીટર્ન કરાવવાની ધમકી આપી હતી. બાદમાં નવલસિંહે વ્યાજખોર વિરૂધ્ધ સિટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ બી. જી. રાજ તથા સ્ટાફે તપાસ આરંભી હતી.
બીજો બનાવ, લાલપુર ગામમાં મુખ્ય બજારમાં રહેતાં ઈરફાનમીયા આમદમીયા કાદરી નામના યુવાને દોઢ વર્ષ અગાઉ લાલપુરના જ સાજીદ ઈકબાલ સમા પાસેથી રોજના 100 રૂપિયા વ્યાજ લેખે 10 હજારની રકમ 30% ઉંચા વ્યાજે લીધી હતી. આ રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરે વધુ વ્યાજ અને મુળ રકમની ઉઘરાણી કરી ત્રાસ આપતો હોવાથી ઈરફાનમીયા દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી. જેના આધારે પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.