જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં વેપારી યુવાનને ધંધામાં નુકસાની જતાં સાત વ્યાજખોરો પાસેથી પાંચ ટકાથી 30 ટકા સુધીના ઉંચા દરેવ વ્યાજે લીધેલી રકમ પેટે વ્યાજખોરોએ બળજબરીપૂર્વક કોરા ચેક અને ચેકમાં મોટી રકમ ભરી બાઉન્સ કરાવી ફસાવી દેવાની ચિમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9 માં આવેલા આદેશ્વર રેસીડેન્સી બ્લોક નં.બી 401 મા રહેતાં ભાવિક રમેશભાઈ તન્ના નામના વેપારી યુવાને ધંધામાં નુકસાની જતા રૂપિયાની જરૂરિયાત હોવાથી ભાવિકે મીઠાપુરના વલ્પેશ પ્રભુદાસ પાબારી, મીતાબેન વલ્પેશ પાબારી તથા જામનગરના ઋષિરાજસિંહ તખુભા જાડેજા, મેઘરાજસિંહ તખુભા જાડેજા, કૃણાલસિંહ રાઠોડ, જયેશ જોબનપુત્રા અને સહદેવ ઉર્ફે શકિતદાન મનહરદાન ગઢવી સહિતના વ્યાજખોરો પાસેથી 5 થી 30 ટકા જેટલા ઉંચા વ્યાજે રકમ લીધી હતી. જેથી વ્યાજખોરોએ સિકયોરીટી પેટેે ભાવિક પાસેથી બળજબરીપૂર્વક સહિ કરેલા કોરા ચેક તથા હાથ ઉછીનું લખાણ કરાવી લીધું હતું. જો રૂપિયા નહીં આપે તો ચેકમાં મોટી રકમ ભરીને બાઉન્સ કરાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ચિમકી આપી હતી. વ્યાજખોરો દ્વારા અપાયેલી ચિમકીના આધારે ભાવિકે સાત વ્યાજખોરો વિરૂધ્ધ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એચ.બી. વડાવીયા તથા સ્ટાફે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.