દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા નગરપાલિકાની થોડા સમય પૂર્વે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપના કાર્યકર તથા જે-તે સમયે ચૂંટણીના સંભવિત ઉમેદવાર એવા એક મહિલા કાર્યકર તથા તેમના પરિવારજનોના નામો યેનકેન પ્રકારે ઓનલાઇન ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાન્સફર કરાવી મતદાર યાદીમાંથી નામ કમી કરવા સબબ ખંભાળિયાના એક એડવોકેટ તથા તેમના પત્ની સામે વિવિધ કલમો હેઠળ ધોરણસર ગુનો નોંધાવવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં અગાઉ ભારે ચર્ચાસ્પદ બની ગયેલા આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તાર પાસેના વણકરવાસમાં રહેતા વાસુભાઈ આલાભાઈ ડોરૂ નામના 38 વર્ષના યુવાન તથા તેમના પત્ની ગીતાબેન દ્વારા ભારતીય જનતા પાર્ટી માટે છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારની કામગીરી તથા સેવા પ્રવૃતિ કરવામાં આવતી હતી. આ વચ્ચે તેઓ ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ચારમાં અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવાર માટે ફાળવવામાં આવેલી અનામત બેઠક માટે ગીતાબેન દ્વારા પક્ષ સમક્ષ ટીકીટ માટે દાવેદારી નોંધાવવામાં આવી હતી.
આ વચ્ચે ખંભાળિયામાં નાગરપાડા વિસ્તારમાં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા કરણ વસંતભાઈ જોશીના પત્ની સેજલબેન દ્વારા પણ વોર્ડ નંબર ચારમાં ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી.
ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીમાં ગીતાબેન ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ન શકે તેવા આશયથી ઉપરોક્ત દંપતિ દ્વારા કાવતરૂ રચી, ચોક્કસ સમયગાળા દરમિયાન તેઓના મોબાઈલ નંબર 91737 11111 તથા 99988 05456 અને 97237 28083 જેવા નંબરનો ઉપયોગ કરી નેશનલ વોટર સર્વિસ પોર્ટલ નામની એપ્લિકેશન પર લોગ-ઇન કરી અને વાસુભાઈ આલાભાઈ ડોરૂના સરનામાના પુરાવા તરીકે પીજીવીસીએલનું ફરિયાદીના નામનું બનાવટી ઇલેક્ટ્રિક બિલ બનાવી, તેને વેબસાઈટ પર ખરા તરીકે અપલોડ કરી, તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આમ, ફરિયાદી વાસુભાઈની ખોટી ઓળખ ઉભી કરી તેમની જાણ વગર મતદારયાદીમાંથી તેમના તથા તેમના પત્ની ગીતાબેન તથા માતા જયાબેન આલાભાઈ ડોરૂનું મતદાર યાદીમાંથી નામ કમી કરાવી નાખવામાં આવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે વાસુભાઈ ડોરૂની ફરિયાદ પરથી કરણ જોશી તથા તેમના પત્ની સેજલબેન સામે આઈ.પી.સી. કલમ 465, 466, 468, 471, 120(બી) તથા ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી, આ સમગ્ર પ્રકરણની ધોરણસરની તપાસ ખંભાળિયાના પીઆઈ વી.વી. વાગડિયા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણે ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકારણમાં ચકચાર જગાવી છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ ચોક્કસ પક્ષમાંથી ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી લડેલા સેજલબેન કરણભાઈ જોશી આ ચૂંટણીમાં પરાજીત થયા હતા.
ખંભાળિયામાં વકીલ તથા તેની પત્ની સામે પોલીસ ફરિયાદ
ચૂંટણી જીતવા ગુનાહિત કાવાદાવા: સંભવિત હરીફ ઉમેદવારના નામો ઓનલાઇન ટ્રાન્સફર કરાવી દેવાયા